આક્રમક પિતા:દારૂ પીવા અનાજ કેમ વેચો છો તેમ કહેતાં દીકરીને પિતાએ માથામાં લાકડી ફટકારી

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે દારૂના નશામાં ધુત પિતા આક્રમક બન્યો
  • બાળકીના માથામાં 13 ટાંકા આવ્યા, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે દારૂના નશામાં ધુત બનેલા પિતાને દારૂ પીવા માટે અનાજ વેચવા જવાની 12 વર્ષની દીકરીએ ના પાડી હતી. આથી તેણે ઉશ્કેરાઈને ખૂણામાં પડેલી લાકડી દીકરીના માથામાં ફટકારી દીધી હતી. ઘરમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. જેને આજુબાજુના લોકોએ તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. ત્યાં તેની હાલત ખૂબ જ ગંભીર છે.

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે રહેતા ખુમાજી ફતાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે જેમાં દીકરી પૂજા (ઉ.વ.12) ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરે છે. ખુમાજી ઠાકોર ખેતી પશુપાલન અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે ગુરુવારે સાંજે નશામાં ધુત બની ઘરે આવ્યો હતો. અને ઘરમાં પડેલું અનાજ (ઘઉં) દુકાનમાં વેચી દારૂ લેવા માટે જઈ રહ્યો હતો.

ત્યારે સ્કૂલમાંથી આવેલી દીકરીએ બાપા તમે દારૂ પીવામાં શા માટે અનાજ વેચી મારો છો તેમ કહેતા ખુમાજી ઉશ્કેરાઈ ગયો હતો. અને ખૂણામાં પડેલી લાકડી લઈ દીકરી ઉપર તૂટી પડ્યો હતો. જેના હાથના ભાગે તેમ જ માથામાં લાકડીનો ઘા મારી દેતા પૂજા લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડી ગઈ હતી. ઘરમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.

પૂજાની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેમને જોઈ ખુમાજી નાસી ગયો હતો. દરમિયાન ગંભીર હાલતમાં પૂજાને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂજાના માથામાં ગંભીર ઇજાના કારણે હેમરેજ થયું છે. 13 ટાંકા લેવા પડ્યા છે. માથાના સિટીસ્કેનનો રિપોર્ટ આજે આવશે. જેના ઉપરથી તેની સ્થિતી જાણી શકાશે અને અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડવી કે કેમ તેનો નિર્ણય લેવાશે.

સારવાર માટે ફાળો ઉઘરાવવા યુવાનોએ ખેતર ખૂંદયા
દારૂના નશામાં ભાન ભૂલેલા પિતાએ તો દીકરી ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. જોકે, આ પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોઇ જીવ કેવી રીતે બચે તે વિચારી ઠાકોર સમાજના યુવાનો શુક્રવારે ખેતરે ખેતરે ફરી ફાળો ઉઘરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...