ડીસાના વડાવળ ગામે જમીનના ઝઘડામાં મોટાભાઈએ ત્રણ સાગરિતો સાથે આવી નાનાભાઈ ઉપર હિચકારો હુમલો કર્યો હતો. તેમજ તેનું કારમાં અપહરણ કર્યું હતું. દરમિયાન ભીલડી પોલીસે યુવકને છોડાવ્યો હતો. અને કારની તલાસી લેતાં અંદરથી બે દેશી તમંચા મળી આવ્યા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડાવળ ગામની સીમમાં રહેતા વિપુલભાઈ ચંદ્રકાંત સૈની (માળી) પોતાનું બાઇક લઇને કુંપટ ગામના પાટિયા પાસે આવેલા પાર્લરે દૂધ લેવા જતા હતા. ત્યારે પુલ નજીક બાઈકની ચેન બગડતા રિપેર કરવા ઊભા હતા ત્યારે કારમાં આવેલા તેમના મોટાભાઈ જયેશભાઈએ જમીનમાં ભાગ કેમ આપતો નથી તેમ કહી ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના પટયાલીનો મનીષ જગદીશ પ્રસાદ સૈની અને બે અજાણ્યા શખ્સો સાથે મળી લોખંડનો સળીયો, લોખંડની પાઇપ, ધોકા લાકડીથી હુમલો કરી વિપુલભાઈનું કારમાં અપહરણ કર્યું હતું. તેઓ કાર ભીલડી તરફ લઈ ગયા હતા.
ત્યાંથી પરત વાળી ડીસા બાજુ હંકારી હતી અને ડીસા હાઈવે નજીક અજાણ્યા શખ્સોને ઉતારી ઘર તરફ આવતા હતા. ત્યારે રસ્તામાં આવેલી પોલીસની ગાડીએ કાર ઊભી રખાવી વિપુલભાઈને છોડાવ્યા હતા. પોલીસે કારની તલાસી લેતાં અંદરથી બે તમંચા મળી આવ્યા હતા. આ અંગે વિપુલભાઈએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તમંચા સહિતની વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.