રણના રમણીય દ્રશ્યો:પાણીની એક એક બુંદ માટે વલખા મારતો નડાબેટનો રણકાંઠો સમુદ્રમાં ફેરવાયો

બનાસકાંઠા (પાલનપુર)14 દિવસ પહેલા
  • રણકાંઠો દરિયો બનતા અનેક પ્રવાસીઓએ અહીં નાહવાની મજા લીધી
  • ધોધમાર વરસાદ વચ્ચે BSFના જવાનો માતૃભૂમિનું રક્ષણ કરી રહ્યાં છે

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ગઇકાલે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાઇ છે. પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ સીમા દર્શન કરવા આવતા પ્રવાસીઓ અહલાદક વાતાવરણની મોજ માણી રહ્યા છે. જોકે, ધોધમાર વરસાદ વચ્ચે પણ BSFના જવાનો માતૃભૂમિના રક્ષણ માટે ફરજ બજાવી રહ્યા છે.

અફાટ રણ દરિયો બન્યું
બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલો નડાબેટ વિસ્તાર હાલ દરિયા જેવો બની ગયો છે. જેથી નડાબેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અજાયબ લાગે તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે. રણકાંઠો દરિયો બનતા અનેક પ્રવાસીઓએ અહીં નાહવાની મજા લીધી હતી. અફાટ રણ દરિયો બનતા ઠંડા પવન ફૂંકાતા નડાબેટ રણમાં રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

જિલ્લામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં થરાદમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો લાખણીમાં ચાર ઇંચ, વડગામ અને સુઈગામમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે.

અન્ય સમાચારો પણ છે...