સજા:ધાણધા ગામે પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ ધંધો કેમ કરતા નથી તેમ ટોકતા બે વર્ષ અગાઉ કુહાડી મારીને હત્યા કરી હતી

પાલનપુરના ધાણધા ગામમાં પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. પત્નીએ કામ ધંધો કેમ કરતા નથી તેમ ટોકતા આવેશમાં આવેલા પતિએ કુહાડી મારીને પત્નીની ઘાતકી હત્યા કરી વચ્ચે પડનાર બાળકીને પણ ઘાયલ કરી હતી. જે બાદ પુત્રે ફરિયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી બાદ ચુકાદો સંભળાવ્યો છે.

બે વર્ષ અગાઉ નયનાબેન અને તેમના પતિ શાંતીભાઈ મકવાણા વચ્ચે આર્થિક સંકડામણને લઈ બોલાચાલી થઈ હતી. પત્ની એ કેમ કંઈ કામ ધંધો કરતા નથી અને ઘરે કેમ બેસી રહો છો? તેમ કહેતા ઘરના આંગણામાં કપડા સંકેલતી હતી તે વખતે આરોપી શાંતીભાઈ કુહાડી લઈ પત્ની નયનાબેનને માથાના ભાગે આડેધડ ફટકા માર્યા હતા. જેથી નયનાબેનની દિકરી દીપાલી છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ તેને પણ કુહાડી મારતા દીપાલીએ બચવા કુહાડી પકડી લેતા તે કપાળના ભાગે વાગી ગઈ હતી.

દરમિયાન આજુબાજુના લોકો આવી જતાં આરોપી પતિ કુહાડી લઈ ભાગી ગયો હતો. કલોલ નોકરી કરતો દીકરો ઘરે આવી પિતા શાંતીભાઈ લક્ષ્મણભાઈ મકવાણા વિરુઘ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ કેસ પાલનપુરના એડી.સેસન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ દિપક પુરોહિતએ હાજર રહી દલીલોના આધારે પાલનપુરના ચોથા એડી.સેસન્સ જજ આર.આર.દવેએ આરોપી શાંતીભાઈ લક્ષ્મણભાઈ મકવાણાને દોષીત ઠરાવી 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

લોનના કર્મીઓની ઉઘરાણી અને ઘરનું વીજ કનેક્શન પણ કપાઈ ગયું હતું
શાંતિ ભાઇના ઘરની શાંતિ આર્થિક સંકડામણમાં લીધે હણાઈ ગઈ હતી. તેમના ઘરનુ વીજબીલ ભરેલ ન હતું જેના લીધે વિદ્યુત બોર્ડના કર્મચારીઓએ વિજ કનેક્શન કાપી નાખ્યું હતું ઉપરાંત ઘર ઉપર આરોપીએ લોન લીધેલ હોવાથી લોનની ઉઘરાણી કરવા માટે બેન્કના કર્મચારીઓ આવતા હતા જેથી વારંવારની ઉઘરાણીથી પરિવાર હેરાન થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...