પાલનપુરમાં હાઈવેની સોસાયટીમાં રહેતા જોષી પરિવાર માટે 2010માં જયપુરની કંપની દ્વારા સ્વિટ્ઝરલેન્ડથી સેન્ટબ્રનાર્ડ ડોગ 1 લાખ રૂપિયામાં ઈમ્પોર્ટ કરવામાં આવ્યો. ત્યારે એ માત્ર ત્રણ વર્ષનો હતો. લક્ઝરી બ્રીડ ગણાતા સેન્ટબ્રનાર્ડનો ઠંડા પ્રદેશમાં કોઈ ફસાઈ ગયું હોય તેવા લોકોને શોધીને બહાર કાઢવા માટે વિશેષ ઉપયોગ થાય છે.
કાર્ગોમાં તેને જયપુરથી અતુલ જોશી અને તેમના પત્ની માધવી જોશી પાલનપુર તેમના ઘરે લાવ્યા. આધ્યાત્મિક જીવનશૈલી જીવતા અતુલભાઇ અને માધવી બેન બ્રહ્મચારી જીવન જીવે છે બંને અતુલધર્મ મિશન સંસ્થાન ચલાવે છે.
પરિવારજનોએ જણાવ્યું કે “અમે લોકો બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી અમે અમારા દીકરા સમાન ડોગને પણ બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું હતું. એની લાઈફ દરમિયાન ક્યારેય પણ એની એનર્જી વેસ્ટ થઈ ન હતી. બે દિવસ અગાઉ તેનું નિધન થતા ખેતરમાં જ તેની વૈદિક શાસ્ત્ર મુજબ અંત્યેસ્ટી કરવામાં આવી હતી. તે 12 વર્ષ વૈભવશાળી જીવન જીવ્યો. ગીરગાયથી બનેલું પનીર અને દૂધ આપવામાં આવતું ઉપરાંત જુદી-જુદી દાળોથી બનેલું દળિયું તેને દહીં સાથે ખવડાવવામાં આવતું.’
પરિવારજન આગળ જણાવતા કહે છે કે, ‘તેને ફ્રૂટમાં પપૈયું અને તરબૂચ ખવડાવતા હતા. તેને પગમાં કોઈ તકલીફ ન થાય તે માટે પરિવારજનોએ ખાસ તેના માટે વુડન ફ્લોરિંગ કરાવેલ હતું. 2011માં રાજ્યકક્ષાના ડોગ શોમાં તેનો મોસ્ટ હેન્ડસમ કેટેગરીમાં પ્રથમ નંબર આવેલો હતો. 55 કિલો વજન, 34 ઇંચ હાઈટ અને 54 ઈંચ લંબાઈ ધરાવતા પાલનપુરનો સેન્ટબ્રનાર્ડ ડોગ લવર શહેરીજનો માટે માનીતો હતો. લીવરમાં પાણી ભરાઈ જતા તેનું નિધન થયું હતું. જેથી ગંગાજળ આપી ખેતરમાં ખુલ્લી જગ્યામાં તેની ભારતીય પરંપરા મુજબ અંતિમવિધિ કરાઈ હતી.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.