ચાર દિવસથી અંબાજીના માઈ ભક્તોને તેમનો પ્રિય મોહનથાળ મળતો બંધ થઈ ગયો છે. ભારે ઉહાપોહ થતા કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં આવી ગઈ છે. અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે શનિવારે પ્રદેશ કાર્યાલયથી પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અંબાજી પણ આવી ગયા હતા અને મંદિર ટ્રસ્ટને મળી મોહનથાળ પૂન: શરૂ કરવા રજૂઆત કરી હતી. બીજી તરફ શ્રીઆરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ફરજ પરના કેટલાક સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે “મંદિર પ્રસાદનો સમગ્ર નિર્ણય રાજ્ય સરકારના સ્તરેથી લેવાઈ રહ્યો છે. જેમાં કલેક્ટર તો હોદ્દાની રુએ માત્ર જવાબદારી વહન કરી રહ્યા છે.
આ સમગ્ર મુદ્દે દિવ્યભાસ્કરએ કલેકટર આનંદ પટેલ સાથે સાંજે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “મોહનથાળ મુદ્દે હું કોઈ પ્રતિક્રિયા ન આપી શકું.બપોરે જ્યારે જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ અને ભારત રક્ષા મંચ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પાલનપુરના હોદ્દેદારો કલેકટરને મળવા ગયા ત્યારે કલેકટરે પોતાના મનની વાતો આગેવાનો સમક્ષ રજૂ કરી હતી.
કલેકટરે પોતાના મનની વાતો આગેવાનો સમક્ષ રજૂ કરી
કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે “ જરૂરી નથી કે નિર્ણય અહીંથી જ લેવાય, મને સાંભળો. બે ત્રણ મુદ્દાઓ ક્લિયર કરી દઉં, રાજભોગની પરંપરામાં કોઈ જ બદલાવ નથી આવ્યો, સવારે શીરાનો ભોગ અપાઈ રહ્યો છે. બપોરે રાજભોગમાં આખું ભાણું. પૂરી, શાક, દાળ, ભાત અને એક મીઠાઈ. તેમજ સાંજે માતાજીને ફળ ધરાવવામાં આવે છે. તે પરંપરા ચાલુ જ છે. અમુક તત્વો કહે છે કે રાજભોગ બંધ કરાયો છે. આવું કોઈ જ નિર્ણય લેવાયો નથી રાજભોગ સાથે ચેડા થયા નથી. મંદિરના ગર્ભ ગૃહ બાબત સાથે મંદિરનો વહીવટી સ્ટાફ કોઈ ચંચુપાત કરતું નથી.
બીજો મુદ્દો પ્રસાદનો છે. આપ બેફિકર રહેજો. બધા કહે છે કે કમાણીમાં રસ છે અને એમાં રસ છે ખરેખર મને કોઈ રસ નથી માં જગદંબાની સાક્ષી એ કહી રહ્યો છું કોઈને કંઈ રસ નથી મંદિરમાં આવતો પૈસો પ્રજાના હિત માટે વપરાય છે. ચાહે તે 20 લાખ લોકોને જમાડવાની બાબત હોય, સ્કૂલ કોલેજ ચલાવવાની બાબત હોય કે બીજા સારા કાર્ય કરવાની બાબત હોય. તમે બે ફિકર રહેજો. આ મુદ્દે અમારી પણ લાગણી છે.
ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ આવી જાય,કલેકટરને રજૂઆત કરવા આવેલા લોકોમાંથી કોઈકે આ કોના ભેજાની પેદાશ છે ? તેવું કલેક્ટરને પૂછી લેતા કલેક્ટર એ જણાવ્યું હતું કે “ દરેક વિચારો નેગેટિવ દ્રષ્ટિકોણથી લેવાય એ જરૂરી નથી, દિમાગમાંથી એ મુદ્દો કાઢી નાખવો જોઈએ કે આ કોના દિમાગની પેદાશ છે? વધુ ને વધુ પ્રસાર થાય અને ક્વોલિટી જળવાઈ અને સેલ્ફ લાઈન વધે એ મુદ્દો હતો. આપ બધાની લાગણી ઉપર મોકલીશું હકારાત્મક ઉકેલ સાથે અમારી પણ એ જ લાગણી છે.” તો બીજી તરફ દિવ્યભાસ્કરએ ગાંધીનગર સ્થિત યાત્રા ધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આસ્થા અને વ્યવસ્થા બંન્ને સચવાય તે રીતે બધું યોગ્ય થશે. સમગ્ર મામલે કલેકટર બનાસકાંઠા પાસે અહેવાલ મંગાવ્યો છે જે બાદ નિર્ણય લઈશું.”
અંબાજીમાં કોંગ્રેસે કાળી પટ્ટી ધારણ કરી રેલી સ્વરૂપે દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર સુપ્રત કર્યું
સોમવારે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલની આગેવાનીમાં દાંતા અંબાજી કોંગ્રેસ સમિતિ સહિત એન એસ યુ આઈ દાંતાના કાર્યકરો કાળી પટ્ટી ધારણ કરી ખોડીયાર ચોકમાં એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શિત કરતા મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ સાથે દેવસ્થાન ટ્રસ્ટ સત્તાધિશોને આવેદન પાઠવ્યું હતું. પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો બે દિવસ તહેવાર બાદ કોંગ્રસે દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન અને જલદ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
મોહનથાળ બંધ કરાતા કરણીસેના નારાજ
પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણીસેના તેની જવાબદારી સ્વીકારવા તૈયારી દર્શાવી છે. પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણીસેનાનાં અગ્રણી જે. પી. જાડેજાએ અપીલ કરી છે.
અંબાજીમાં ચોથા દિવસે પણ યાત્રિકોમાં રોષ યથાવત,માના દર્શન કરી ચીકી ખરીદવી જ ન જોઇએ તો આપોઆપ ચીકી બંધ થઈ જશે: ભક્તો અંબાજીમાં સોમવારે ચોથા દિવસે પણ મોટા ભાગ ના શ્રધ્ધાળુઓ માતાજીનો પ્રસાદ ખરીદ્યા વિના પરત ફરતા જોવા મળ્યા હતા .તો વળી દૂરના અંતરે થી આવેલા ભક્તો કચવાટ સાથે ફૂલ નહિ તો પાખડી એમ માતાજીનો પ્રસાદ સમજી ચીકીનો પ્રસાદ ખરીદી ભારે આક્રોશ અને શાબ્દિક પ્રહાર નઘરોળ તંત્ર અને સરકાર વિરુદ્ધ કરતા હતા .
માતાજીનું મંદિર જાણે એક રાજકીય મંચ બની ગયો
જોકે એક માઈ ભક્તે તો પોતે નામ ન જાહેર કરવા ની શરતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હવે “અંબાજી મંદિરનું સરકારી કરણ થઇ ગયું છે. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી માતાજી મંદિરની ગરિમા અને પવિત્રતા સાથે ભક્તોની આસ્થા સાથે ક્યારેય ખિલવાડ થતી ન હતી. હવે માતાજીનું મંદિર જાણે એક રાજકીય મંચ બની ગયો છે. નેતાઓનું જાણે શક્તિ પ્રદર્શન કરવાનો અખાડો બની ગયું છે .
દેવસ્થાન ટ્રસ્ટ માં સરકારી અધિકારીઓ સિવાય કોઈ પબ્લિકનો માણસના હોવાને કારણે માતાજી, મંદિર, પવિત્રતા અને શ્રધ્ધાળુઓની ગરિમા લાજે તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો વળી મંડાલીના એક ભક્ત વિજયસિંહ એ તો જણાવ્યું હતું કે સમગ્ર માઈ ભક્તોને મારી એક નમ્ર વિનંતી કે માના દર્શન કરી ચીકી ખરીદવી જ ન જોઇએ તો આપોઆપ ચીકી બંધ થઈ જશે. ભક્તોનો મિજાજ જોતા સોમવારે ભેટ કાઉન્ટર પર પણ ચીકીના પ્રસાદનો મોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો .જ્યાં સાંજ સુધીમાં 11,459 પેકેટ ચીકી ના પ્રસાદનું વિતરણ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.