કામગીરી:થરાદથી સીપુ પાઇપલાઇનનું કામ 2 વર્ષે અધૂરું

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાજનપુરા, મડાલ અને રામસણમાં સંપ સ્ટ્રક્ચરનું કામ માત્ર માંડ 60 ટકા થયું

સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત રૂ.623.28 કરોડના ખર્ચે મહાજનપુરા પમ્પિંગ નર્મદા મુખ્ય નહેરથી સિપુ જળાશય સુધી 68 કિ.મી. પાઇપલાઇન નાખવાની કામગીરી સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતાના લીધે ધીમી ગતિએ ચાલી રહી છે. આ પાઇપલાઇનથી જિલ્લાની 6000 હેકટર જમીનને પિયતનો ફાયદો થશે. થરાદ, ડીસા, લાખણી અને દાંતીવાડાના 39 ગામના 106 તળાવને 110 કિમી પાઈપલાઈન દ્વારા જોડાણ કરી ભરવામાં આવશે.

મહાજનપુરા, મડાલ, રામસણ ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે જેમાં સ્કેચ, ડિઝાઇન સહિતના પ્રશ્ને પ્રોજેક્ટ લંબાઈ રહ્યો હોવાની સ્થાનિક રહીશો બુમરાણ મચાવી રહ્યાં છે. આમતો સમગ્ર પ્રોજેક્ટ માર્ચ-2021 સુધી પૂર્ણ કરવાનો હતો પરંતુ સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતાના લીધે કામમાં ઝડપ આવી શકી નથી. જોકે કામની ઝડપ અંગે નર્મદા ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘નર્મદા પાઇપલાઇનનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. "

ગોકળ ગતીએ ચાલતો પ્રોજેક્ટ જલ્દી પૂરો થાય તો સીપુ ડેમમાં પાણી ભરી શકાય
રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે દાંતીવાડા ડેમ છલકાઈ ગયો છે પરંતુ તેનાથી પાંચ કિલોમીટર દૂર આવેલો સીપુ ડેમ હજુ પણ ખાલી ખમ છે. સરકારનો સીપુ ડેમને ભરવાનો મહત્વલક્ષી પ્રોજેક્ટ પાછલા અઢી વર્ષથી ગોકળગાય ગતિએ ચાલી રહ્યો છે. હાલમાં ડેમમાં કેટલીક જગ્યાએ મામૂલી પાણી આવ્યું છે.

પંપીંગ સ્ટેશન માટે બે વર્ષથી ખરીદેલી સાધન સામગ્રી ધૂળ ખાય છે
જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સી એ પંપીંગ સ્ટેશન પર લગાવવાની મશીનરી દોઢ વર્ષથી ખરીદીને રાખી મૂકી છે જેની આજુબાજુ ઝાડી ઝાખરા પણ ઊગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...