પાલનપુરમાં પ્રિ-મેચ્યોર પ્રિ-મોન્સુન પ્લાન:માનસરોવરથી લડબી નદીને જોડતા નાળામાં જ્યાં પહેલા સફાઇની જરૂર હતી ત્યાં જ તંત્ર પહોંચ્યું નથી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માનસરોવર નાળામાં કચરાના ઢગ ખડકાયેલા છે. - Divya Bhaskar
માનસરોવર નાળામાં કચરાના ઢગ ખડકાયેલા છે.
  • વરસાદ આડે પખવાડિયું બાકી પણ એજન્સીનું જેસીબી ક્યાં ચાલે છે કોઈ જાણતું નથી

બનાસકાંઠામાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસુ બેસી જવાની સંભાવના છે ત્યારે પાલનપુર નગરપાલિકા હાલમાં ગોકળગાયની ગતિએ પ્રિમોન્સૂન એક્ટિવિટી કરી રહી છે. જ્યાં સૌથી વધુ જરૂરીયાત છે તેવા પાણી નિકાલ માટેના અત્યંત મહત્વના માનસરોવરથી લડબીને જોડતા વ્હોળાની સફાઈ માટેની તસદી એજન્સી દ્વારા લેવામાં આવી નથી. વાત માત્ર માનસરોવર વ્હોળા પૂરતી સીમિત નથી. શહેરના માલણ દરવાજાથી શીવનગરને જોડતા નાળાની સફાઈ પણ હજુ શરૂ કરવામાં આવી નથી. જ્યાં સૌથી વધુ પાણીનો આવરો રહે છે.

શહેરમાં જ્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાઈ જાય છે તેવા આનંદ નગર અને વૃંદાવન સોસાયટી જેવા વિસ્તારોમાં તો વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈનના જોડાણ કરી દેવાતા વિસ્તારના રહીશોની હાલત કફોડી બની છે. વૃંદાવન સોસાયટીમાં રહેતા વિરચંદભાઈ પંચાલે જણાવ્યું હતું કે " અમારા બેચરપુરા વિસ્તારમાં વર્ષોથી પાલિકાના વહિવટથી નારાજગી છે.

આ વિસ્તારમાં વરસાદી પાણીની પાઈપ લાઈન નાંખેલ છે. પણ લક્ષ્મીપુરાથી આવતા પાણીના નિકાલની પાઈપ લાઈન અમારી આ લાઈનમાં જોઈન્ટ કરવાથી પાણીનો ભરાવો થવાથી સમગ્ર વિસ્તારના ઘર-દૂકાનોમાં, સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. અને ચોમાસામાં 1 ઇંચ મામૂલી વરસાદ દરમિયાન પણ વિસ્તારમાં હાલાકી સર્જાય છે.

નગરપાલિકાના સુત્રોનું માનીએ તો શહેરમાં 3 દિવસથી જેસીબી મશીનોથી વહેલી સવારથી મોડી સાંજ સુધી સફાઇ કાર્ય ચાલી રહ્યું છે જોકે મોટાભાગના વિસ્તારોના રહીશોની ફરિયાદ છેકે સફાઇ કરવા મશીનરી આવી નથી જો આવી હોય તો પાલિકાએ જીપીએસ ટ્રેકરથી મોનીટરીંગ કરવું જોઈએ.

રેલવે સ્ટેશન નજીકનું નાળું ખુલ્લું ના થયું
વર્ષો પૂર્વે રેલવે સ્ટેશન નજીક દુકાનો બનાવવા નાળાની જગ્યાએ પાઇપલાઇન નાખી દેવાઈ હતી. જોકે દુકાનો ન બનતા અને સમગ્ર મામલો કોર્ટમાં જતા વર્ષોથી નાળું ખુલ્લું ન થવાથી નાળાની સફાઇ થઈ શકી નથી.

સુખબાગ અને બ્રિજેશ્વર રોડના કામમાં ઉતાવળ
સુખબાગ અને બ્રિજેશ્વર કોલોની માર્ગ બનાવનાર એજન્સીઓને વરસાદ દરમિયાન વ્યાપક નુકસાન થવાની શક્યતા રહેલી છે. જેના પગલે હાલમાં તાત્કાલિક રોડ પૂર્ણ કરવા ઉતાવળથી કામ કરવામાં આવી રહ્યો હોવાનો રહીશો ફરિયાદ કરી રહ્યા છે. નવા માર્ગ પર રથયાત્રા નીકળવાની હોવાથી કામગીરીમાં ઉતાવળ કરવામાં આવી રહી છે. જોકે ગુણવતા ન બગડે તેવી તકેદારી રાખવા રહીશો માંગ કરી રહ્યા છે.

વરસાદી પાણી ન ભરાય એના એક્સપર્ટ વ્યૂ

  • બેચરપુરા વિસ્તારમાં 2 કિલોમીટર વિસ્તારના ઘેરવાનું પાણી એકઠું થાય છે જેથી અહી બે મીટરના ડાયામીટરની એક વધારે પાઈપલાઈન રોડની પૂર્વબાજુમાં રોડને પેરેલલ પાઈપ લાઈન નાંખીને ત્યાંથી એમ.એ. માસ્ટર પેટ્રોલ પંપ સુધી લઈ જવાય અને ત્યાંથી હાઈવે ક્રોસ કરીને ડીસા હાઈવેને પેરેલલ જે મોટી પાઈપ લાઈન લડબી નદીમાં જાય છે. તે પાઈપ લાઈનને લાજવંતી પાસેના ચેમ્બરમાં જોડવામાં આવે તો હાઈવેની નીચાણવાળા વિસ્તારોની પાણી ભરાવાની કાયમી સમસ્યા દૂર થાય
  • અમદાવાદ રોડના બ્રિજની બંન્ને બાજુએ જે ખુલ્લી ગટર છે ત્યાં બંન્ને બાજુ પાઈપ લાઈન કરવામાં આવે તો ખુલ્લી ગટરમાં જે કચરો ગંદકી થાય છે તે બંધ થાય અને બંન્ને બાજુનો સર્વિસરોડ પણ પહોળો થઈ શકે.
  • બેચરપુરાનું વરસાદી પાણી આકેસણ જંકશનથી રોડ ક્રોસીંગ થાય છે. તેમાં જે નાળું બનાવેલ છે.તેનો પૂર્વબાજુનો ભાગ પહોળો કરવામાં આવે.
  • અમદાવાદ હાઇવે પરના અંડરપાસના ઉપર પતરાનો શેડ બનાવી બંન્ને છેડા પર રેમ્પ લગાડી દેવાય તો પાણી ભરાવવાની સમસ્યા દૂર થાય.

આ વિસ્તારોમાં પાણી ભરાય છે
નાનીબજાર, સુખબાગરોડ, બ્રિજેશ્વર કોલોની, ઢુંઢીયાવાડી, સિધ્ધરાજ જયસિંહ નગર, કીર્તિસ્તંભ, સિવિલ હોસ્પિટલ, આનંદનગર, ભવદીપ સોસાયટી, અમનપાર્ક, ચાણક્યપુરી સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં હાલાકી ઊભી થાય છે.

બંને તળાવ ગટરના પાણીથી છલકાઈ ગયા
એક સમયે પાલનપુર શહેરની શાન સમાન નવાબકાલીન માનસરોવર તળાવ અને ગોબરી તળાવ હાલ ગટરના પાણીથી ગંધાઈ ઉઠયા છે. શહેરમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી બંને તળાવની અંદર ગટરના પાણીનો નિકાલ કરવામાં આવતા બન્ને તળાવો છલકાઈ ગયા છે અને તળાવોની નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...