લોકાર્પણ:ધાનેરાના શિયા ખાતે જીયોમેમ્બ્રન સાથેની ખેત તલાવડીઓનાપાયલોટ પ્રોજેક્ટનું પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું

બનાસકાંઠા (પાલનપુર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. 340 લાખના ખર્ચથી નિર્માણ પામેલ જીયોમેમ્બ્રન 181 ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાવ, થરાદ અને ભાભર તાલુકાના ભૂગર્ભ જળની સપાટી ખૂબ ઉંડી જવાથી સિંચાઇ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના અમલી બનાવાઇ છે.

તળાવો ભરવાનું આયોજન
આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુતો ખેત તલાવડીના પાયલોટ પ્રોજેક્ટથી માહિતગાર થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે. બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે કસરા- દાંતીવાડા પાઇપલાઇન મારફત નર્મદાનું પાણી પહોંચાડી તળાવો ભરવાનું આયોજન કરાયું છે.

સિંચાઇની સુવિધાઓમાં વધારો કરાશે
મંત્રીએ ધાનેરા, દાંતીવાડા અને લાખણી તાલુકામાં સિંચાઇની સુવિધાઓ વધારવાની ખાતરી આપતા જણાવ્યું કે, સરકારી તિજોરીનો એક એક પૈસો લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં આવે તેવી રીતે આ સરકાર કામ કરે છે. રાજ્યમાં સિંચાઇની સુવિધાઓમા વધારવાથી વાવેતર વિસ્તારમાં ખુબ મોટો વધારો થયો છે. જન ભાગીદારીની યોજનાઓને ખુબ ટુંકાગાળામાં સારી સફળતા મળે છે એનું કારણ એમાં વ્યક્તિનું પોતાનું યોગદાન હોય છે. તેમણે કહ્યું કે આવતા ચોમાસા પહેલાં 800 જેટલી ખેત તલાવડી બનાવવાનું કામ પૂર્ણ કરીને સિંચાઇની સુવિધાઓમાં વધારો કરાશે. તેમણે પાણી બચાવવા પર ભાર મુકતા જણાવ્યું કે, સામૂહિક ખેત તલાવડી બને એ દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે.

બનાસકાંઠા જિલ્લાને સુંદરકાંઠો બનાવીએ
મંત્રીએ જણાવ્યું કે, રાજ્યનો એક પણ તાલુકો કિડની ડાયાલીસીસની સુવિધાથી વંચિત ન રહે તેવું આયોજન આ સરકારે કર્યુ છે. બનાસકાંઠાના વિકાસ માટે શિક્ષણ, પાણી, આરોગ્યમાં પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ મોડેલ વિના આજે છુટકો જ નથી ત્યારે કોઇપણ લોકોના લોભ-લાલચમાં આવ્યાં સિવાય સરકારની વિકાસ યાત્રામાં સહભાગી બનીને બનાસકાંઠા જિલ્લાને સુંદરકાંઠો બનાવીએ.

પાઇપલાઇન માટે 1650 કરોડની યોજના મંજૂર
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની સિંચાઇની સમસ્યાઓ દૂર કરવા માટે આદરેલા અભિગમ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અને મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કસરા- દાંતીવાડા પાઇપલાઇન માટે 1650 કરોડની યોજના મંજૂર કરી છે.

પાણી એ પરમાત્માનો પ્રસાદ
મંત્રીએ જણાવ્યું કે, પાણી એ પરમાત્માનો પ્રસાદ છે એ વાત બનાસકાંઠાના ખેડુતોને સારી રીતે સમજાઇ છે. ખેત તલાવડી બનાવવા બદલ સરકાર અને પ્રગતિશીલ ખેડુતોનો આભાર માની મંત્રીએ કહ્યું કે, એક સમયમાં બનાસકાંઠા જિલ્લો શિક્ષણ સહિત તમામ બાબતોમાં પછાત હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની અભિયાન સ્વરૂપ કામગીરીના લીધે આ જિલ્લાએ શિક્ષણમાં ક્રાંતિ કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ભૂતકાળની સરકારોએ ડાર્કઝોન મુકવાથી ખેડુતોને વીજ કનેક્શન મળતા નહોતા. આ સરકારે ડાર્કઝોન હટાવીને ખેડુતોને સમય મર્યાદામાં વીજ કનેક્શન આપ્યાં છે. સરકાર ખેડુતોની પડખે ઉભી છે ત્યારે સરકારની યોજનાનો લાભ લઇ જળ સંચયના કામો કરી આ જિલ્લાને પાણીદાર બનાવીએ.

અન્ય સમાચારો પણ છે...