આમાથી અમારે કઇ રીતે પસાર થવું?:અમીરગઢના કાકવાડા ગામના વિદ્યાર્થીઓની વેદના- 'ઘૂંટણસમા પાણીમાં નદી પાર કરતાં બીક લાગે છે, અમને પૂલ બનાવી આપો'

બનાસકાંઠા (પાલનપુર)11 દિવસ પહેલા
  • કાકવાડા ગામની વચ્ચોવચ્ચથી બનાસ નદી નીકળે છે, પેલી પારના બાળકોને નદી પાર કઇ રીતે કરવી?
  • ચાર કરોના ખર્ચે વર્ષો પહેલાં કોઝ-વે મંજૂર તો થયો છે પણ હજુ સુધી કામ ચાલુ નથી થયું

'અમે નદી પસાર કરીને ભણવા આવીએ છીએ. સરકારને એટલી જ વિનંતી કરું છું કે, અમને અહીંયા પુલ બનાવી આપો. અહીંથી નીકળતી સમયે ખુબજ ડર લાગે છે.' આ શબ્દો છે વિદ્યાર્થિની જાનવીના. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં નદી પાર કરીને ભણવા જવા બાળકો મજબૂર થયા છે. ગામમાં સ્કૂલ તો છે પણ ગામની વચ્ચો વચ્ચથી બનાસ નદી પસાર થતી હોવાથી ગામના એક બાજુના બાળકોને મજબુરીમાં નદી પાર કરવી પડે છે. નદી પર કરોડોના ખર્ચે કોઝ-વે તો મંજૂર થયો છે, પણ તંત્રની આળસના કારણે કોઝ-વેનું કામ શરૂ ન થતાં નદીની પેલી પારના 50થી વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.

ઘૂંટણસમા પાણીમાંથી બાળકોને પસાર થવું પડે છે
કાકવાડા ગામમાં ધોરણ 1થી 8 સુધી શાળા છે. જેમાં 206 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જોકે, ગામની વચ્ચેથી જ બનાસ નદી પસાર થતી હોવાથી સામે પારથી આવતા 50થી વધુ બાળકોને અવર જવરમાં તકલીફ પડે છે. ખાસ ચોમાસાની સિઝનમાં ઘૂંટણસમા પાણીમાંથી બાળકોને પસાર થવું પડે છે. આ ઉપરાંત ગ્રામજનોને પણ ખેતરમાં કે અન્ય કામથી અવર જવર માટે નદી પાર કરવી પડે છે.

10 જેટલા ગામના લોકોને સમસ્યા
દર વર્ષે ચોમાસાની સિઝનમાં નદીમાં પાણી આવતું હોવાથી બાળકોને દફતર ખભા પર ઉપાડીને અવર જવર કરવી પડે છે. જો પૂરની સ્થિતિ હોય તો બાળકો ભણતર વિના વંચીત રહે છે. તો ક્યારેક વાલીઓ પોતાના બાળકને ખભા પર તેડીને સ્કૂલે મુકવા-લેવા જાય છે. આ ઉપરાંત કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે 10 જેટલા ગામના લોકોને સમસ્યા ઉભી થાય છે. આ નદી પર કોઝ-વે મંજૂર થયાને પણ વર્ષો વિતવા છતાં કામગીરી શરૂ ન કરતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.

કોઝ-વે માટે ચાર કરોડ રૂપિયા મંજૂર થયા પણ કામ શરૂ ન થયું
આ અંગે સ્થાનિક અગ્રણી મફાજીએ દિવ્ય ભાસ્કર સાથેના વાતચીતમાં જણાવ્યું હતું કે, 40થી 50 જેવા છોકરા ધોરણ 1થી 8 ધોરણમાં અભ્યાસ કરે છે. અત્યારે ઢીચણ સમા પાણીમાં ચાલીને આવે છે. પાણી આવે એટલે ચાર માહીની સ્કૂલ બગડે છે. કોઝ-વે માટે ચાર કરોડ રૂપિયા મંજૂર થયા છે, પણ હજુ સુધી કામ ચાલુ કરાયું નથી અમારી માંગ છે ક્, જલ્દીથી કામ ચાલુ કરાય.

વધારે પાણી હોય તો ફરીને આવવું પડે: સ્થાનિક
સ્થાનિક અગ્રણી જોધાભાઇએ જણાવ્યું હતું કે, સરકારને વારંવાર બે ત્રણ વર્ષથી વિનંતી કરીએ છીએ પણ નદી પર કોઝ-વે બનતો નથી. ખેતર નદી પેલી બાજુમાં હોવથી ખુબજ અવગડ પડે છે. બાળકો ભણવા જીવના જોખમે નદીમાંથી નીકળે છે. જો પાણી વધી જાય તો 10થી 12 કિલોમીટર ફરીને મુકવા આવવું પડે છે.

નદીમાં પાણી આવે એટલે અમને ડર લાગે: વિદ્યાર્થી
આ અંગે હિરા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, નદીમાં પાણી આવે એટલે અમને ડર લાગે છે, પુલ બને તો સારૂ. વધારે પાણી આવે તો સ્કૂલ બેગ માથે ઉપાડીને નીકળીએ છીએ. મમ્મી પપ્પા મુકવા આવે તો પણ ડર લાગે છે.

નદીમાંથી નીકળતાં ખુબજ ડર લાગે: વિદ્યાર્થિની
જાનવી નામની વિધાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે નદી પસાર કરીને ભણવા આવીએ છીએ. સરકારને એટલી જ વિનંતી કરું છું કે, અહીંયા પુલ બનાવો. હાલ ઢીંચણસમા પાણી છે. અહીંથી નીકળતી સમયે ખુબજ ડર લાગે છે.

અન્ય સમાચારો પણ છે...