પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી અંગે જાગૃતિ આવે અને કંઈક નવું કરવાના વિચારો આવે તે હેતુથી અલગ અલગ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાની ટેક્નોલોજી અંગે માહિતી આપી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અલગ-અલગ શાળાઓમાં જઈ બે થી ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાથી લઈ તેના ઉપયોગ સુધીની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છે.
અત્યારનો સમય ટેકનોલોજીનો છે અને દરેક ક્ષેત્રમાં હવે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે તેમાંય ખાસ કરીને ડ્રોન અને રોબર્ટનો ઉપયોગ દરેક જગ્યાએ થવા લાગ્યો છે. ત્યારે અભ્યાસ કરતા બાળકોમાં રીમોટથી ઉડતું ડ્રોન કઈ રીતે ઉડે છે, કેવી રીતે બને છે વગેરે બાબતો જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે. ત્યારે પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઇનોવેશન અને સ્ટાર્ટ અપ પોલિસી અંતર્ગત અલગ અલગ શાળાઓમાં જઈ બાળકોને ડ્રોન અંગેની માહિતી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં આજે કોલેજની ટીમ પાલનપુરના ચડોતરની ઇકરા ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ ખાતે પહોંચી હતી. જ્યાં શાળામાં અભ્યાસ કરતા 520 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ડ્રોન બનાવવાથી લઈ ઉડાડવા સુધીની ટેકનોલોજી અને તેના ઉપયોગ અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. તેમજ ડ્રોનને લઈ વિદ્યાર્થીઓના મનમાં ઉદભવેલા પ્રશ્નોના જવાબ આપી ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યાં હતા.
અત્યારે ડ્રોનનો ઉપયોગ ન માત્ર લગ્ન પ્રસંગોમાં વીડિયો શુટીંગ પૂરતો મર્યાદિત રહ્યો છે પરંતુ હવે તો હોસ્પિટલ, ટ્રાન્સપોર્ટેશન, ખેતીવાડી સહિત દરેક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આ ડ્રોન કઈ રીતે બને છે કેટલા સમયમાં બને છે, તેમાં કયા કયા પાર્ટ્સનો ઉપયોગ થાય છે, તેને કઈ રીતે ઓપરેટ કરવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપતા વિદ્યાર્થીઓ પણ ખુશ થયા હતા અને તેઓ પણ જાતે જ ડ્રોન બનાવવા માટે અને તેમાં કંઈક નવું કરવા માટે કટિબદ્ધ બન્યા હતા.
પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત શરૂ કરેલા આ અભિયાનમાં 5,000 થી પણ વધુ વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવાના છે જેના થકી બનાસકાંઠા જિલ્લાના બાળકોમાં પણ કંઈક નવું કરવાનો વિચાર આવશે અને ટેકનોલોજીના યુગમાં કાંઈક નવું ઇનોવેશન કરી સમાજને ઉપયોગી બનશે તેવું પોલીટેક્નિક કોલેજ ની ટીમનું માનવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.