લંપટ શિક્ષક:છાત્રાઓ રડતાં રડતાં બોલી વર્ગ ખંડમાં અમારી સામે અશ્લિલ વાક્યો બોલે છે

પાલનપુર3 મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
શિક્ષક જે શાળામાં લંપટ લીલા કરતો તે પરખડી પ્રા. શાળાની તસ્વીર - Divya Bhaskar
શિક્ષક જે શાળામાં લંપટ લીલા કરતો તે પરખડી પ્રા. શાળાની તસ્વીર
  • પાલનપુરથી 10 કિ.મી. દૂર પરખડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની લંપટલીલાનો પર્દાફાસ
  • શિક્ષકને હાલ પૂરતો સ્કુલમાંથી હટાવી લેવાયો,ધોરણ 8 માં દરરોજની માનસિક હેરાનગતિ સહન ન થતા વિદ્યાર્થિનીઓએ શિક્ષિકાને વાત કરતા લંપટ શિક્ષકની કરતૂતો બહાર આવી

પાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલા વડગામ તાલુકાના પરખડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 50 વર્ષિય આધેડ શિક્ષક ફલજીભાઈ વળાગાંઠ વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો બોલતો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જ્યાં દિવ્ય ભાસ્કરની ટીમે રૂબરૂ જઇ સમગ્ર કિસ્સાની હકિકત મેળવી હતી. શિક્ષકની આ હરકતથી ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અને એક જ માંગણી કરવામાં આવી રહી છે. લંપટ શિક્ષકને સ્કુલમાંથી દૂર કરી કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે,ઘટનાને પગલે શિક્ષકને હાલ પુરતો સ્કુલમાંથી હટાવી લેવાયો છે.

વડગામનું નાનકડું પરખડી ગામ જેની વસ્તી આશરે 1500 જેટલી છે. જ્યાં આવેલી પ્રાથમિક શાળામાં બપોરે તપાસ કરતાં રિશેષ પુરી થતાં છાત્રો કલાસરૂમમાં જઇ રહ્યા હતા. આચાર્ય મહેસાણાના બળદેવભાઇ પ્રજાપતિ તેમની ઓફિસમાં બેઠા હતા. ઘટના અંગે પુછતાં તેમણે કહ્યુ કે, પરખડી ગામના જ ફલજીભાઇ લાલજીભાઇ વળાગાંઠ (ઉ.વ.આ. 50) વર્ષ 2012થી ગામની જ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

જેઓ વર્ગખંડમાં અભ્યાસ કરાવતી વખતે છાત્રાઓ સમક્ષ અેકદમ ખુલ્લી ભાષામાં અશ્લિલ વાક્યો ઉચ્ચારતા હોવાની જાણ તારીખ 7/10/2022ના દિવસે વર્ગશિક્ષિકાએ મને કરી હતી. આ અંગે શિક્ષિકા બહેનોએ ફલજી વળાગાંઠને ઠપકો આપતાં તેણે માફી માંગી લીધી હતી. જોકે, વિધાર્થીનીઓએ આ વાત તેમના ઘરે કરતાં વાલીઓ તેમજ ગામના આગેવાનો એકત્ર થઇ આ શિક્ષકની બદલી કરાવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલે જણાવ્યું કે શાળાના શિક્ષક સામે ગ્રામજનો દ્વારા કરાયેલી અરજી મળી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જેના અંતે કાર્યવાહી કરવામાં આવશે.

છાત્રાઓનું નિવેદન રેકોર્ડ કરી રજૂઆત કરાઇ
ગામના ડેપ્યુટી સરપંચ ગલાબાભાઇ ધનાભાઇ મકવાણાએ જણાવ્યુ કે, શિક્ષક ફલજી વળાંગાંઠ કેવી રીતે વર્ગખંડમાં અશ્લિલ વાક્યો ઉચ્ચારી માનસિક ત્રાસ આપતો હતો. તે અંગે શાળાની વિધાર્થીનીઓનું નિવેદન રેકોર્ડ કરાયું હતુ. તે વખતે દીકરીઓએ રડતાં રડતાં કહ્યુ હતુ કે, અમારે આ શિક્ષક પાસે નથી ભણવું જે રેકોડીંગ સાથે રાખીને શિક્ષક સામે પગલાં ભરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે.આધેડ પરિણીત શિક્ષક બે સંતાનોનો પિતા છે.

શિક્ષક સામે પોલીસ કાર્યવાહી કરો
ગ્રામજનોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, માં સરસ્વતીના ધામમાં ગંદી ભાષા બોલી દીકરીઓને ત્રાસ આપનારા આવા શિક્ષક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી સજા કરવામાં આવે તો અન્ય અાવા નરાધમોને પણ સબક મળશે.

અન્ય સમાચારો પણ છે...