વિવાદ:પાલનપુરમાં વરસાદી પાણી કાઢવા ગયેલી પાલિકા ટીમ પર પથ્થરમારો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુખબાગ રોડ પર ઘણાં સમયથી પાણી ભરાયેલું હોઈ સ્થાનિક રહીશો ગુસ્સે ભરાયા , સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

પાલનપુર હનુમાન ટેકરીથી સુખબાગ રોડ પર વરસાદી તેમજ દૂષિત પાણી ભરાતાં શાળાએ જતા છાત્રો, વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા જેને લઈ શુક્રવારે સવારે પાલિકાની જીસીબીની ટીમ ઉપર સ્થાનિક લોકોએ પથ્થરમારો કરી ત્યાંથી ભગાડી હતી જેથી ચીફ ઓફિસર સહિત પાલિકાના પ્રમુખ ઘટના સ્થળે પહોંચી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ આપના કાર્યકરોએ કમળ ઉગાડી વિરોધ નોંધાવ્યો હતો.

શુક્રવારે સવારે પાલિકાની ટીમ જીસીબી સાથે વરસાદી પાણીનો નિકાલ કરવા પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકોએ જીસીબી ચાલક પર પથ્થરમારો કરી અટકાવ્યા હતા તેમજ ત્યાંથી ભગાડ્યા હતા.જેને લઇ તાત્કાલિક ચીફ ઓફિસરને જાણ થતા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, તેમજ એન્જિનિયર અર્ચિત પટેલ ઘટનાસ્થળે પહોંચી વરસાદી તેમજ દૂષિત પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી. સુખબાગ નજીક જ દસ દિવસ અગાઉ રૂ.નેવું લાખના ખર્ચે રોડ બનાવ્યો હતો.

જેનો લોકો ઉપયોગ કરી શકતા નથી. જેને લઈ સરકારના લાખો રૂપિયા આ દૂષિત પાણીમાં વહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, સુખબાગ રોડની પાણીની નિકાલ માટે જેસીબી દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી દરમિયાન ત્યાંના રહીશોએ અને કેટલાક તત્વોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો જેને લઈ કામ થઈ શક્યું ન હતું તેમજ પાલિકાની ટીમ તેમજ પી ડબ્લ્યુ ડીને જાણ કરી પાણીનો સમસ્યાનો હલ કરીશું તેમજ પથ્થરમારો કરનાર સામે નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરીશું.

પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ
સુખબાગ રોડ નજીક આવેલ મકાનની બાજુમાં જેસીબી દ્વારા ખાડો કરી તેમાંથી દૂષિત પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી તે દરમિયાન સ્થાનિક લોકો અને પાલિકા કર્મચારીઓ સામે ચકમક ઝરી હતી.

સ્કૂલ રિક્ષા પાણીમાં ફસાઈ, છાત્રોએ ધક્કા માર્યા​​​​​​​

પાલનપુર સુખબાગ રોડ નજીક શુક્રવારે હનુમાન ટેકરીથી સુખબાગ રોડ નજીક આવતી સ્કૂલ રિક્ષા પાણીના વચ્ચેના ભાગમાં ફસાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતાં ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમજ રીક્ષા ચાલક અને સ્થાનિકોએ રિક્ષાને ધક્કો મારી બહાર કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...