રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર સંચાલિત બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાપ્તિ ખાતે તા. 6 જૂનથી 26 જૂન દરમિયાન શિલ્પોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંહ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ શિલ્પોત્સવમાં ગુજરાત અને સમગ્ર દેશની નામાંકિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ઉભરતા શિલ્પકારો ભાગ લઈ રહ્યા છે. ભારતના અલગ અલગ રાજયોમાંથી 20 જેટલાં શિલ્પકારો આ શિલ્પ સિમ્પોઝીયમમાં સામેલ થયા છે. તેઓ આ તાલીમ દરમિયાન થિયરી, ડ્રોઈંગ, સ્કેચિંગ, ડિઝાઇનિંગ સહિત પથ્થરને કંડારવાની પ્રાથમિક અને ઉચ્ચસ્તરીય તાલીમ અહીં વિના મૂલ્યે મેળવશે. તેમજ તેમના માટે રહેવા- જમવાની અને શિલ્પ કંડારવાની તમામ સાધન સામગ્રી જરૂરિયાત પ્રમાણે સાપ્તિ અંબાજી દ્વારા પુરી પાડવામાં આવશે શિલ્પોત્સવનો પ્રારંભ કરાવતા ખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંહે તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા અને તેમના શિલ્પકળા અંગેના અનુભવો જાણ્યા હતા. તેમજ અંબાજીમાં આવેલ વિવિધ માઇનિંગમાં આધુનિક મશીનરી દ્વારા ચાલતા પથ્થર કારવિંગના કામને નિહાળવા અને શીખવા તેમણે અનુરોધ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આંનદ પટેલે તમામ શિલ્પકારોને અભિનંદન પાઠવી તેમની તાલીમ દરમિયાન નજીકના સ્થળો કુંભારીયા અને દેલવાડાના ડેરાની સ્થાપત્ય કલાનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષે દહાડે દોઢ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે આવે છે ત્યારે આપની શિલ્પ કલાકૃતિ આદ્યાત્મિક દ્રષ્ટિએ કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બની રહે. જેના થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું "પથ્થરોમાં પુરી દો" પ્રાણ સૂત્રને પણ સાર્થક કરી શકાશે. તેમણે કહ્યું કે, એક શિલ્પકાર પથ્થરને ભગવાનનું સ્વરૂપ આપે છે.
કલેક્ટરે જણાવ્યું કે, આગામી સમયમાં અંબાજીની કાયાપલટ કરી કાશી વિશ્વનાથ જેવું ધામ બનવા જઇ રહ્યું છે, જેમાં આપના અમૂલ્ય યોગદાનને વૈશ્વિક ઓળખ મળશે. શિલ્પોત્સવના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિલ્પકારો દ્વારા ઉભા કરવામાં આવેલ વિવિધ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમના કામ અને કળા અંગેના વિચારો અને અનુભવો જાણી તાલીમ માટેની શુભકામના પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજીની ઓળખસમા માર્બલમાંથી સુંદર સ્ટોન આર્ટિઝન પાર્ક અંબાજી ખાતે રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ શિલ્પ સિમ્પોઝીયમ દ્વારા તૈયાર થયેલા શિલ્પ આગામી સમયમાં અંબાજીની ઓળખ અને પર્યટનને વેગ આપવામાં ખુબ મહત્વનો બની રહેશે. આ સિમ્પોઝીયમ જાહેર જનતાને પથ્થર પર કોતરકામ અને શિલ્પ બનાવવાની પ્રક્રિયા જોવાની તક પુરી પાડી રહ્યું છે અને જાહેર જનતાને સાપ્તિ અંબાજી દ્વારા ખાસ જાહેર આમંત્રણ પાઠવી આ શિલ્પોત્સવ નિહાળવા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.