કારકિર્દી અંગેની મૂંઝવણ દૂર થશે:પાલનપુર ખાતે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાનો સેમિનાર આગામી તા. 30 મેના રોજ કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાશે
  • બેઠકમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારના સફળ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર પ્રયાસ કરીને "નવી દિશા નવું ફલક" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારના સફળ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો પુરવાર થવાનો છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાય તેવા પ્રયાસો કરીએ. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને કઈ સ્ટ્રીમમાં આગળ વધીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરવું તેનો ખ્યાલ આવશે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહિત તમામ 14 તાલુકાઓમાં યોજાનાર કાર્યક્રમો અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી ડો. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાનો કારકિર્દી સેમિનાર આગામી તા. 30 મે, 2022ના રોજ પાલનપુર મુકામે કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાશે. જેમાં યુ.જી.સી.ના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇ તજજ્ઞ વક્તા તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે તા. 4 જૂનના રોજ જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે. જેમાં દરેક તાલુકામાં અલગ અલગ તજજ્ઞો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર બાબતે માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. તેની સાથે સાથે તેમને કારકીર્દી ઘડતર બાબતનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે. તારીખ 4 જૂનના રોજ તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે 10થી 11.50 કલાક દરમિયાન યોજાશે. જે ડી. ડી. ફ્રી ડિશ, ડી.ટી.એચ. સર્વિસ પર જોઈ શકાશે, તેમજ યુ-ટ્યુબ પર પણ જીવંત પ્રસારણ નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...