રાજસ્થાનથી એક યુવતી તેના ભાઈ સાથે ડીસા મજુરી કામે આવી હતી. જોકે, મોબાઈલ ફોન બાબતે ભાઈ સાથે ઝઘડો થતાં તે ત્યાંથી નીકળી પાલનપુર આવી ગઈ હતી. જેને પાલનપુર બસ સ્ટેન્ડથી સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી હતી. ત્યાંના સ્ટાફે તેના પિતા તેમજ કાકાનો સંપર્ક કરી શુક્રવારે સહી સલામત સોંપી હતી.પાલનપુરમાંથી મળી આવેલી યુવતીનું તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
આ અંગે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકા મધુબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બલવાડું ગામની યુવતી 10 દિવસ પહેલા તેના ભાઈ સાથે ડીસા મજુરી કામે આવી હતી. અને ત્યાં તેના કાકાના ઘરે બંને જણા રહેતા હતા. દરમિયાન તારીખ 4 જુલાઈ 2022ના રોજ ભાઈ બહેન વચ્ચે મોબાઇલ ફોન માટે ઝઘડો થતા તેણી ત્યાંથી નીકળી પાલનપુર આવી ગઈ હતી. પાલનપુર બસસ્ટેન્ડે રાત્રે 11:30 વાગ્યે બેઠી હતી. ત્યારે અજાણ્યા વ્યક્તિએ 181 અભયમને જાણ કરતાં તેમની ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી.
પરિવારજનો વતનમાં શોધખોળ કરતાં હતા
સ્ટાફ દ્વારા પૂછપરછ કરતા યુવતીએ જણાવ્યું હતું કે, તેના પિતા બોમ્બે રહે છે અને ટ્રેલર ચલાવે છે. જેઓ વર્ષમાં એક જ વાર ઘરે આવે છે. આથી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે રાજસ્થાનના કોટવાલ પોલીસ સ્ટેશનમાં ફોન કરી ત્યાંથી બલવાડુંના સરપંચનો ફોન નંબર મેળવ્યો હતો. યુવતીના પિતા અને કાકાને સમજાવવામાં આવતા પિતાએ તેમના ભાઈને શુક્રવારે પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર માં મોકલ્યા હતા. જેમને આ યુવતીને હેમખેમ સોંપવામાં આવી હતી. આ અંગે યુવતીના કાકાએ જણાવ્યું હતું કે, તેણી ગુમ થઈ ત્યારથી અમે શોધખોળ કરતા હતા. પરંતુ અમને ક્યાંય પત્તો મળ્યો ન હતો. દરમિયાન પોતાની દીકરીને હેમખેમ પરત સોંપવા બદલ તેમણે સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.