આજથી શરૂ થતા શ્રાવણમાસને લઈ શિવાલયોમાં ઓમ નમ: ના નાદ ગુંજી ઊઠશે.શ્રાવણ માસમાં શિવ ભકિતમાં લીન થવાથી ભગવાન શિવની ભકિત કરવાથી શ્રાવણ માસ દરમ્યાન સાત્વીક ઉર્જાસ્ત્રોત પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસ આજ શુક્રવારથી શરૂ થઈ તા. 27 ઓગસ્ટ શનિવારના રોજ પૂર્ણ થશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ઉપાસકોએ ભગવાન શિવને અતિપ્રિય બિલીપત્ર, રૂદ્રા અભિષેક, પાર્થેશ્વર મહાપૂજા અન્ય વિશેષ પૂજાઓ દ્વારા ભાગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય છે.
શાસ્ત્રોમાં બતાવ્યા અનુસાર રૂદ્રી વિશે કહેવાય છે કે, "રૂત દ્રાવ્યતિ ઈતિ રૂદ્ર" એટલે કે રૂત એટલે દુઃખ અને દુઃખનું કારણ તેને જે દુર કરે છે, નાશ કરે તે રૂદ્ર છે, એટલે શિવ. આવા શિવના રૂદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રૂદ્રી. વેદોમા રૂદ્રી અંગે જે મંત્રો છે શુકલ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય. રૂદ્રની આ સ્તુતીમાં રૂદ્રીમાં મુખ્ય આઠ અઘ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રૂદ્રની જે આઠ મૂર્તિઓ છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા તેના સ્વરૂપોનુ વર્ણન છે.
સ્થૂળ રીતે આ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે, બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતી છે, ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે, ચોથા અધ્યાયમાં સુર્યનારાયણની સ્તુતી છે અને પાંચમો અધ્યાય તે શિવનો આત્મા (હૃદય) છે. તેમા રૂદ્રની સ્તુતી છે. છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે, આઠમા અધ્યાયમાં અગ્નિદેવની સ્તુતી છે. આમ અષ્ટા અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતી થઈ જાય છે. શિવ એ કલ્યાણકારી દેવ છે. તે અખિલ બ્રહ્માડના અધિપતિ છે.
તો સૌ હિન્દુ સનાતન શિવ ઉપાસકોએ આ માસ દરમિયાન મંદિરમાં જઈ રૂદ્રાભિષેક, બીલીપત્ર, જપ, તપ, ધ્યાન, કિર્તન કરવાથી તથા મહામૃત્યુંજયના જાપ કરવાથી જીવનમાં આવતી આધિ,વ્યાધિ,ઉપાધિ સમસ્તનો નાશ કરે છે. શાસ્ત્રી બાલકૃષ્ણભાઈ એ.ત્રિવેદી ના જણાવ્યા અનુસાર શિવએ દેવતાઓમાં તમોગુણ પ્રધાન દેવ છે તેમજ આરોગ્યના દેવ છે, માટે તમામ પ્રકારનો સંતાપ, ઉત્પાત એ બધાને હરવાવાળા દેવ છે. માટે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અલગ–અલગ અભિષેકનું વિશેષ મહત્વ બતાવેલ છે.
મધ થી અભિષેક કરવાથી આરોગ્ય સારું રહે, લીલા નારીયેળથી અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય તેમજ પંચામૃત થી અભિષેક કરવાથી ધનનો લાભ થાય. એમ અનેક પ્રકારના શિવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં પૂજન, અર્ચન, લધુરૂદ્ર, મહારૂદ્ર આવા અનેક પ્રકારના કર્મ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, યશ, કિર્તી ની પ્રાપ્તિ થાય છે.
શિવ એવા દેવ છે જેને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. એટલે આપણે મૃત્યુંજય કહીએ છીએ. તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તમામ હિન્દુ સનાતન ધર્મ ઉપાસકો એ શિવ ભકિતમાં લીન બની જીવનને નવી ઉર્જા, નવો સ્ત્રોત મળી રહે તેવી શિવચરણમાં કરબધ્ધ પ્રાર્થના કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.