બનાસકાંઠાને હરિયાળું બનાવવા પ્રયત્ન:અંબાજી પર્વત સહિત અરવલ્લીની ગિરિમાળામાં બનાસડેરી દ્વારા બનાવાયેલા સીડ બોલ મૂકવાની કામગીરી શરૂ કરાઇ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસડેરી દ્વારા 20 લાખથી સીડ બોલ બનાવવામાં આવ્યા છે
  • બનાસડેરી તેમજ વનવિભાગ દ્વારા અલગ અલગ 8 ટીમો બનાવી કમાગીરી હાથ ધરાઇ

બનાસડેરી તેમજ વનવિભાગ દ્વારા બનાસકાંઠાને હરિયાળું બનાવવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગામડાઓમાં પશુપાલકો દ્વારા ગાયના ગોબરમાંથી સીડ બોલ બનાવી તેની અંદર બીજ મૂકી 20 લાખથી વધુ સીડ બોલ તૈયાર કરી આજે અંબાજીની ગબ્બર સહિતની અરવલ્લીની ગિરિમાળાઓમાં આ સીડ બોલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વનવિભાગ ટીમ તેમજ પશુપાલકો દ્વારા નાખવા માટેની શરૂઆત કરવામાં આવી છે.

બનાસકાંઠામાં પાણી જમીનમાં ઉતરે અને જમીનના તળ ઉપર આવે તે માટે બનાસડેરી તેમજ ખેડૂતોનાં સહિયારા પ્રયાસથી 100થી વધુ તળાવો બનાવવાંની શરૂઆત કરાઈ હતી. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી નહીવત વરસાદને લઈને પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા યોજનાઓ થકી પાણી સમસ્યા માટે પ્રયત્નો હાથ ધરાય છે. જિલ્લાને હરીયાળુ બનાવી વધુ વૃક્ષો વાવી વધુ વરસાદ લાવવાના સૂત્ર સાથે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા આહવાનને લઈને બનાસડેરી તેમજ વનવિભાગ દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બનાસડેરીના જિલ્લાના પશુપાલકોએ લાખોની સંખ્યામાં સીડ બોલ બનાવી તેમાં બીજ રોપી સીડ બોલ તૈયાર કર્યા છે. ત્યારે આજે પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વતીય વિસ્તારમાં આ સીડ બોલ નાખવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. 20 લાખથી વધુ સીડ બોલ નાખવા માટે બનાસડેરી તેમજ પશું પાલકોની અલગ અલગ 8 ટીમો બનાવવામાં આવી છે.

બનાસડેરી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા બનાસકાંઠા આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ વૃક્ષોથી લીલીછમ હતી. જેનાથી લોકોને શુદ્ધ હવા મળી રહેતી હતી. વરસાદ વધુ આવતો હતો જેનાથી પાણીની કોઈ તંગી રહેતી નહોતી. ત્યારે હવે દેશનાં વડાપ્રધાનનાં વૃક્ષા રોપણ અભિયાનને લઇ બનાસડેરી દ્વારા 20 લાખથી વધુ સીડ બોલ બનાવી પર્વતીય વિસ્તારમાં નાખવામાં આવી રહ્યા છે. જ્યાં ઊંચા પર્વત છે જ્યાં કોઈ જઇ શકતું નથી, ત્યાં ડ્રોન દ્વારા સીડ બોલ નાખવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે વૃક્ષો વાવવા માટેનું સૌથી મોટું અભિયાન બનાસડેરી દ્વારા હાથ ધરાયું છે. જેનાથી આગામી ચોમાસામાં વરસાદમાં આ સીડ બોલમાંથી બીજ નીકળી નવા વૃક્ષો તૈયાર થાય જેનાથી આવનારા વર્ષોમાં એક નવું જંગલ બને લીલોતરી છવાય જેનાથી આવનારી પેઢીઓને ફાયદો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...