શંકર ચૌધરીનો 'બી' પાવર:જાહેર મંચ પરથી કહ્યું - 'મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે'

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોતાની જીત હાંસલ કરવા એકબીજા પક્ષ પર આક્ષેપબાજી કરવી એ કંઇ નવી વાત નથી. ત્યારે થરાદ વિધાનસભા બેઠક પર ભાજરના કાર્યકર્તાઓને વિરોધીઓ ધમકાવતા હોવાનો બળાપો શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી ઠાલવ્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચૌધરી વિરોધીઓને ચેતવણી આપતા રહે છે કે, 'કામ કરતાં કરતાં મારા કોઇ કાર્યકર્તાને, પ્રજાને કોઇ રંજાડવાનો પ્રયત્ન કરશે તો એ મારા કાર્યકર્તા સામે નહીં મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો. તમે કાર્યકર્તાને એકલો ના ગણો એમની સાથે હું છું. આ 'બી' પાવર સાથે કાર્યકર્તાઓને કહું છું કે તમને કોઇ મુશ્કેલી પડશે તો અડધી રાત્રે માથુ આપવાવાળો માણસ છું.'

ચૂંટણી લડીએ છીએ એટલે દોડીશું જ: શંકર ચૌધરી
થરાદ વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપના પરબતભાઇ પટેલનો વિજય થયો હતો, જોકે 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતનો વિજય થયો હતો. ત્યારે આ વખતે સમગ્ર ગુજરાતની નજર આ બેઠક પર છે. કારણ કે, ભાજપે આ વખતે એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. શંકર ચૌધરી અત્યારે ગામડે ગામડે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે એક સભા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'પ્રજાના ભલા માટે કામ કરતા હોઇએ અને એવું કહે છે કે તમે બહું દોડો છો. કેમ ન દોડીએ? ચૂંટણી લડીએ છીએ, એટલા માટે દોડીએ છીએ. તમને જો કોઇ એવું કહે તો સીધી વાત મને કરજો. એમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા કરીશું.'

તમને મત માટે ધમકાવે તો મને વાત કરજો: શંકર ચૌધરી
શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે, 'આપણે કામ કરવું છે, વિકાસ કરવો છે, આપણે ઝઘડા કરવા નથી આવ્યા. કામ કરતાં કરતાં કોઇ ધમકાવે તો આપડે જવાબ આપીશું, લોકશાહીમાં પ્રજાનો મત લેવાનો દરેકને અધિકાર છે. કોને ક્યાં મત આપવો એ પ્રજા નક્કી કરે એવો પ્રજાનો હક્ક છે. કોઇને ધમકાવવો, કોઇને લાલચ આપવી એ કાયદાની પરિભાષાના વિરોધની વાત છે. જો કોઇ તમને મત માટે ધમકાવે તો મને વાત કરજો આપણે કાયદામાં રહીને તેમને જવાબ આપીશું જેથી ભવિષ્યમાં પણ બાકીના કોઈ આવી હિંમત ન કરે.'

કાર્યકર્તાઓને એકલા ના ગણો હું એમની સાથે છું: શંકર ચૌધરી
આ વીડિયો વાયરલ અંગે શંકર ચોધરીએ જણાવ્યું હતું કે, 'થરાદમાં કેટલાક લોકો દાદાગીરીની ભાષાથી કામ કરે છે. કાર્યકર્તાને ફોન કરીને ધમકાવે છે કે, તમે કેમ ભાજપનું સ્ટેટસ ચડાવો છો? તમે કેમ શંકરભાઇની મિટિંગમાં ગયા છો? આ પ્રમાણે કાર્યકર્તાને દબાવવાળા લોકોને મે કહ્યું છે કે તમે કાર્યકર્તાઓને એકલા ના ગણો હું એમની સાથે છું.'

ગૃહમંત્રી અમિત શાહે શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે થરાદમાં શંકર ચૌધરીના સમર્થનમાં સભા સંબોધી હતી. જ્યાં તેઑએ શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો, અમે તેમને મોટું સ્થાન આપીશું. આમ સરકારમાં શંકર ચૌધરીને મોટું સ્થાન આપવા અંગે અમીત શાહે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતાં શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ અહી આવે તો પૂછજો કે પાણી કેમ ન આપ્યું? મેધા પાટકરના ખભે હાથ મુકીને રાહુલ ગાંધી યાત્રા કરે છે. ત્યારે હવે પાણી અટકાવી રાખનાર કોંગ્રેસને માફ ન કરતા વધુમાં વિકાસ અને કોંગ્રેસને બંનેને એકબીજાથી કોઈ લેવાદેવા ન હોવાનું પણ શાહે કહ્યું હતું.

કોણ છે શંકર ચૌધરી
શંકર ચૌધરી ગુજરાત ભાજપના કદાવર નેતા અને એક સહકારી આગેવાન છે. તેમજ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે. બનાસકાંઠાના રાધનપુર બેઠક પરથી તેમણે વર્ષ 1997માં પ્રથમ વાર તત્કાલીન સીએમ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ 27 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જ્યારે વર્ષ 1998માં રાધનપુર બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 2012માં વાવ વિધનસભામાં તેમની જીત થઇ હતી અને 2014માં તેઓ રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા હતા. જોકે, 2017ની ચૂંટણીમાં વાવમાં તેમની હાર થઇ હતી. આ વખતે ભાજપે તેમને થરાદ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...