કોર્ટનો ચુકાદો:મૃત પુત્રને જીવીત બતાવી રૂ. 9.75 લાખનો વીમો પાસ કરાવનાર પિતાને 5 વર્ષની કેદ

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરની બીજી એડિશનલ જયુડિશીયલ કોર્ટનો ચુકાદો
  • રૂ. 15000 હજારનો દંડ પણ ફટકાર્યો, ગાંધીધામના પડાણા ગામના આરોપીએ પાલનપુરની ઇન્સ્યોરન્સ કંપની માં વીમો ઉતરાવ્યો હતો

પાલનપુરની વીમા કંપનીમાં મૃત પુત્રને જીવિત બતાવી તેના નામે રૂપિયા 9.75 લાખનો વીમો પાસ કરાવનાર કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના પડાણા ગામના આરોપી પિતાને પાલનપુરની બીજી એડિશનલ જુડીશીયલ કોર્ટના ન્યાયાધીશે પાંચ વર્ષની કેદ અને રૂપિયા 15000 હજારના દંડની સજા પણ કરી હતી.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભુટકીયા ગામના અને હાલ ગાંધીધામ તાલુકાના પડાણા ગામે રહેતા ભારૂભાઈ હાજાભાઇ સોલંકી ના પુત્ર પ્રેમજીભાઈ સોલંકીનું તારીખ 24 ઓક્ટોબર 2014ના રોજ મૃત્યુ થયું હતું. તેમ છતાં ભારુભાઈએ તારીખ 16 જુલાઈ 2015 ના રોજ પાલનપુરમાં વીમા એજન્ટ તથા અન્ય શખ્સો સાથે મળી પોતે જાણતો હોવા છતાં પ્રિ- પ્લાન બનાવી પોતાના મૃતક પુત્રને જીવિત બતાવી પાલનપુર બજાજ એલિયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ઓફિસમાં ખોટો જીવન વીમો ઉતરાવ્યો હતો.

અને પાછળથી તેના નામનું તારીખ 24 ઓક્ટોબર 2015નું મરણ અંગેનું પ્રમાણપત્ર પડાણા ગામેથી લાવી ગાંધીધામ વીમા કંપની બ્રાંચમાં રજૂ કર્યું હતું અને રૂપિયા 9,75,000 ની રકમ વીમા કંપની પાસેથી મેળવી છેતરપિંડી આચરી હતી. વીમા કંપનીની તપાસમાં છેતરપિંડી બહાર આવતાં ભરતકુમાર મગનભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ પાલનપુરની બીજી એડિશનલ જુડીશીયલ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ ગૌરવકુમાર દરજીએ આરોપી ભારુભાઈ સોલંકીને ઈપીકો કલમ 465, 467, 368 471, 406, 420, 120 બીમાં કસૂરવાર ઠેરવી પાંચ વર્ષની કેદ અને રૂપિયા 15000 હજારના દંડની સજા કરી હતી. લઈ જેને સોંપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...