સાત વિરુદ્ધ ફરિયાદ:જગાણામાં રિસામણે બેઠેલી મહિલાનું સમાધાન કરવા જતાં વેવાઇ બાખડ્યા

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે સામસામે સાત જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
  • પરિણીતા કોઈ કારણોસર દોઢ વર્ષથી રિસામણે બેઠી હતી

પાલનપુર તાલુકાના જગાણા ગામે રિસાઇને બેઠેલી યુવતીના સમાધાન વખતે વેવાઇઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લોખંડની પાઇપ, લાકડીઓ તેમજ ગડદાપાટુનો મારમારવામાં આવ્યો હતો. આ અંગે સામસામે ફરિયાદ નોંધાતાં પોલીસે સાત વ્યકિતઓ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર તાલુકાના જગાણા ગામના ગોવિંદભાઇ રાજનભાઇ દેવીપૂજકની પુત્રીના લગ્ન સિધ્ધપુરમાં અજયભાઇ કેશાભાઇ દેવીપૂજક સાથે થયા હતા. જે દોઢ વર્ષથી રિસામણે હતી. દરમિયાન ગુરૂવારે તેનો પતિ અજય, સસરા કેશાભાઇ બાબુભાઇ દેવીપૂજક, પાલનપુર તાલુકાના પારપડાના દેવાભાઇ છગનભાઇ દેવીપૂજક જગાણા આવ્યા હતા. અને પરિણીતાને અમારી સાથે મોકલી દો તેમ કહ્યું હતુ.

જોકે, તેણીની માતા કંકુબેન ગોવિંદભાઇ દેવીપૂજકે હાલ ઘરે કોઇ ન હોઇ મોકલવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ત્રણેય જણાંએ લાકડીથી હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે કંકુબેને ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે અમદાવાદના કનુભાઇ બાબુભાઇ દેવીપૂજકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પરિણીતાને લઇ જવા સમાધાનની વાત કરતાં હતા.

પાલનપુરના પ્રકાશભાઇ ગોવિંદભાઇ દેવીપૂજક, કરણભાઇ ગોવિંદભાઇ દેવીપૂજક, નરેશભાઇ ગોવિંદભાઇ દેવીપૂજક અને ગોવિંદભાઇ રાજનભાઇ દેવીપૂજકે ઉશ્કેરાઇ જઇ લોખંડની પાઇપ તેમજ ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. પોલીસે બંને ફરિયાદોના આધારે સાત વ્યકિતઓ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...