લાપરવાહ તંત્ર:પાલનપુરમાં રખડતાં પશુ મુદ્દે પાલિકાના સેનિટેશન ચેરમેને કહ્યું હાલ ગાયો પકડવાની કોઈ પ્રોસેસ નથી

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિવૃત શિક્ષકના મોત પછીય પાલિકાએ એકપણ ગાય પાંજરે પુરી નથી
  • પાલનપુર શહેરમાં ગાય અને આખલાનો આતંક હજુપણ યથાવત

પાલનપુરમાં રખડતી ગાયે એક નિવૃત શિક્ષકનો જીવ લઈ લીધો છતાં પાલિકાનાએ તંત્રએ ગાયો પકડવાની કોઈ પ્રક્રિયા હાથ ધરી નથી.હજુ કોઈ ગાયને હડકવા ઉપડે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ સેનીટેશન ચેરમેન કહે છે અમે ગાયો પકડવાની કોઈ પ્રોસેસ નથી કરવાના.રસ્તે રઝળતી ગાયો અને આખલાઓને પકડીને પાંજરે પુરવાના મામલામાં પાલિકાના સત્તાધીશો હજુ ગંભીર સ્થિતિ સર્જાય તેની જાણે રાહ જોઈ રહ્યા હોય તેમ લાપરવાહ બની રહ્યા છે.

શહેરમાં વધી રહેલી ગાયોના ત્રાસને લઈ ‘દિવ્ય ભાસ્કર’ ની ટીમે ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત કરતાં ચેરમેન ડો.અમી પટેલે જણાવ્યું હતું કે ના '' અમે ગાયો પકડવાની કોઈ પ્રોસેસ નથી કરવાના. કોઈ ગાયને હડકવા ઉપડે ત્યારે ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવશે.

"શહેરના સીમલા ગેટ વિસ્તારમાં શાકભાજી માર્કેટ આવેલું છે. જ્યાં સાંજથી જ ગાય અને આખલા ફેંકી દેવાયેલા શાકભાજી આરોગવા આવી જાય છે અને રોડ ઉપર મોટી સંખ્યામાં ફરતા અકસ્માતની ભીતિ સતત રહે છે. પાલિકા પાસે ઢોરોને પકડવા માટે એક્સપર્ટ સ્ટાફ ન હોવાથી જ્યારે કોઇ પશુ ઉપદ્રવી બને ત્યારે મુશ્કેલી ભરી સ્થિતી સર્જાય છે.

જીવ દયાનું કામ કરતા સેવાભાવી કાર્યકરે જણાવ્યું હતું કે "શહેરમાં હાલમાં મુખ્ય હાઈવે રોડ ઉપર અત્યારથી પશુ જોવા મળી રહ્યા છે. હજુ સામે ચોમાસું આવી રહ્યું છે ત્યારે વધુ ગંભીર સ્થિતિ સર્જાશે. પાલિકાએ રસ્તે રખડતા પશુઓને નજીકના ઢોરવાડા પર ઘાસ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.’

પાલનપુરની ડમ્પિંગ સાઇટ પર ગાયોનું ટોળું
શહેરમાંથી ગૌચર ગુમ થયા બાદ ઘાસચારો ન મળતાં ગાયો હવે કચરો આરોગવા શહેરની ડમ્પિંગ યાર્ડમાં સવાર-સાંજ જોવા મળે છે. ડમ્પિંગ પર અગાઉ અનેક ગાયોના મોત થયા હોવા છતાં નગરપાલિકા કે જીવદયા પ્રેમીઓ દ્વારા ઊડીને આંખે વળગે તેવા કોઇ પ્રયાસો થયા નથી. જોકે થોડા સમય અગાઉ એક સંસ્થાએ કેટલાક દિવસો સુધી ગાયોને ડમ્પિંગ સાઇટ પર ઘાસ મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...