ઉત્તર ગુજરાતમાં શુક્રવાર રાત્રે માવઠાં બાદ શનિવાર સાંજે પોણા 6 વાગે અચાનક ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં પવનની ગતિ 37 કિલોમીટરે પહોંચતાં ભારે પવન વાવાઝોડામાં ફેરવાયો હતો. ધૂળિયા વાતાવરણમાં આંખ ખોલવી પણ મુશ્કેલીભર્યું બન્યું હતું. આ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડાકા- ભડાકા અને કરા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ઉત્તર ગુજરાતમાં શનિવારે સાંજના 4 થી 8 વાગ્યા સુધીના 4 કલાકમાં 22 તાલુકામાં 2 મીમીથી લઇને 41 મીમી એટલે કે પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતી તાલુકામાં પોણા બે ઇંચ, હિંમતનગરમાં દોઢ, સિદ્ધપુર, દાંતા, બહુચરાજી અને પાટણ પંથકમાં પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ સિવાયના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. બહુચરાજીમાં માત્ર 15 મિનિટમાં કરા સાથે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ઊભા ખેતીપાકોને નુકસાનની ચિંતા ખેડૂતોમાં ઊભી થઇ છે. વરસાદે વાતાવરણ ઠંડુગાર બનાવી દીધું હોય તેમ ગરમી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી અને પાંચેય શહેરોનું તાપમાન 33 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સતત વરસાદના કારણે ઉનાળુ સિઝનનો ખેતરમાં ઉભો પાકનો ઓથ વળી જતાં ખેડૂતોની સિઝન બગડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જોકે અચાનક જ આકાશમાં વાદળો છવાઈ જતાં અને ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ડીસા, અંબાજી, સુઇગામ, ભાભર, અમીરગઢ દાંતીવાડા-પાંથાવાડા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
શનિવાર સાંજે 4થી 8નો વરસાદ | |
તાલુકો | મીમી |
સરસ્વતી | 41 |
હિંમતનગર | 33 |
સિદ્ધપુર | 21 |
દાંતા | 20 |
બહુચરાજી | 18 |
પાટણ | 16 |
ડીસા | 15 |
સુઇગામ | 10 |
વડગામ | 7 |
ઇડર | 7 |
દાંતીવાડા | 6 |
તાલુકો મીમી અમીરગઢ | 6 |
મોડાસા | 5 |
કડી | 4 |
વડનગર | 4 |
ખેરાલુ | 3 |
વિજયનગર | 2 |
તલોદ | 2 |
જોટાણા | 2 |
પાલનપુર | 1 |
વિસનગર | 1 |
સતલાસણા | 1 |
દિવેલા અને વરિયાળીનો પાક જમીનદોસ્ત
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારે પવનના કારણે દિવેલાનો પાક અને વરિયાળીનો પાક ભાગી જઇ જમીનદોસ્ત થયા છે. બીજી બાજુ માવઠાંવાળા વિસ્તારોમાં ઘઉંના ઉભા પાકને દાણા પર કાળી ડાઘીઓ પડી જતાં ગુણવત્તા બગડી છે. જેને લઇ ખેડૂતોને સારો ભાવ ન મળતાં આર્થિક નુકસાન થશે.
આગાહી | 25 માર્ચ સુધી વાદળછાયું રહેવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની સંભાવના છે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપ સુધીનો ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડી છે. આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.