બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાનો જિલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ પાલનપુરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો. જેમાં પ્રાથમિક શિક્ષકોએ ખાનગી શાળાને ટક્કર મારે તેવા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. મોર્ડન પપેટ દ્વારા શિક્ષણ, વેદિક ગણિત, ગોબરનો ઉપયોગ સહિતના 51 ઇનોવેટિવ આઈડિયાને સ્થાન અપાયું હતું. જે 51 શિક્ષકોએ પોતાની શાળામાં ઇનોવેટિવ આઈડિયા થકી શિક્ષણમાં સુધારનો પ્રયાસ કર્યો હતો તે અહીં રજૂ કરવામાં આવ્યા હતા.
પાલનપુરની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કચેરીમાં આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોએ પોતાની કામગીરી દર્શાવી હતી. આ અંગેની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. એમ જે નોગસએ જણાવ્યું હતું કે "શિક્ષણ ક્ષેત્રે કરેલા નાના નાના સુજાવો પ્રયત્નો એ શિક્ષકોની મૂડી છે શિક્ષકોએ પોતાના વર્ગખંડમાં અવનવા પ્રયોગો કર્યા છે તેવા શિક્ષકોને બિરદાવવા માટે જિલ્લા કક્ષાએ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ જે બાદ રાજ્યકક્ષાએ આ શિક્ષકો પ્રોત્સાહિત થાય છે."
ગોબર થકી જુદી જુદી પ્રોડક્ટ બનાવી આત્મ નિર્ભર બનવાનું કૌશલ્ય શીખવાડ્યું
દિયોદરની સુરાણા પ્રાથમિક શાળાના શિક્ષકે ગામના ગોવંશના ગોબર અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં લાવી વિવિધ પ્રોડક્ટ બનાવી નાની ઉંમરમાં આત્મ નિર્ભર બનવા માટેના ગુણો શીખવાડ્યા છે જે વિદ્યાર્થીઓ સતત ગેરહાજર રહેતા હતા તે વિદ્યાર્થીઓ પણ નિયમિત આવતા થયા છે વિદ્યાર્થીઓએ જે પ્રોડક્ટ નિર્માણ કર્યું છે તે પ્રોડક્ટનું વેચાણ કરી જાતે રૂપિયા કમાઈ બચત પણ કરી આત્મ નિર્ભર બન્યા છે.
આ ઇનોવેશન એ સૌનું ધ્યાન ખેંચ્યું
વેસ્ટ માંથી બેસ્ટ બનાવી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા
અંબાજી આશ્રમશાળાની શિક્ષિકાએ મારો વિદ્યાર્થી આત્મનિર્ભર વિદ્યાર્થી હેઠળ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવી સમાચારપત્રો મેગેઝીન ઉપરાંત ખાલી ડબ્બા સહિતના વેસ્ટ મટીરીયલ થી 200 કરતાં વધુ માહિતીઓના બેનમૂન અંક બનાવ્યા, જુદા જુદા લિમ્પણ આર્ટ સહિત હસ્તકલાની વસ્તુઓનું નિર્માણ કરાવ્યું. જેના થકી વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમય બન્યા અને અભ્યાસની સાથે વ્યવહાર કુશળ બન્યા અને વર્ગખંડ પણ સુંદર અને સુશોભિત લાગી રહ્યા છે.
મોર્ડન પપેટ મેથડ
દિયોદરની વાતમ જુના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને રસ પડે તેવું શિક્ષણ આપવાની સાથે સાથે ડિજિટલ એલઇડી લાઇટના ઉપયોગ અને ફિંગર પપેટ દ્વારા શાળાના પહેલા બીજા ધોરણના વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી દૂર રહી સ્ટોરી પપેટ સાથે રજૂઆત થતા ભાષામાં મૂળાક્ષરો શબ્દો અને વાક્યો ઝડપથી શીખી જાય છે. નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ લાંબો સમય સુધી રહે છે.
પડીકાના બદલે પૌષ્ટિક આહારની દુકાન
લાખણી તાલુકાની મડાલ પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાની શાળામાં બાળકોને હલકી ગુણવત્તાવાળા પડીકા ન ખાય અને પોષણયુક્ત ખોરાક ખાય તે માટે શાળામાં જ વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં સંચાલિત દુકાન બનાવી પૌષ્ટિક નાસ્તો બનાવવામાં આવે છે.
ગણિતની સરળ પદ્ધતિઓનો આઈડિયા સૌને ગમ્યો
પાલનપુરની વાસણ (ધા) પ્રાથમિક શાળાના શિક્ષિકા કવિતાબેન ચૌહાણ એ જણાવ્યું કે" ધોરણ ત્રણ થી પાંચમાં કોરોના મહામારીના લીધે ધોરણ પાંચ અને છ માં પ્રવેશનાર વિદ્યાર્થીઓ ગાણિતિક ક્રિયાઓથી અજાણ રહ્યા, અને યાદ રાખવામાં મુશ્કેલી જણાઈ. વૈદિક સૂત્રોની મદદથી માત્ર ચાર ગાણિતિક ક્રિયાઓના ટીએલએમ બનાવ્યા, અને સૌથી વધુ કાર્ય ચોક અને બોર્ડ દ્વારા કરાવવામાં આવ્યું. 136 વિદ્યાર્થીઓને લઈને શરૂ કર્યુ છે જેના સફળ પરિણામો મળ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.