ઉમેદવારી ફોર્મ ભરવાનો ગુરુવાર છેલ્લો દિવસ હતો.ચૂંટણી માહોલમાં હજુ સુધી નીરસતા જોવા મળી રહી છે.પણ બનાસકાંઠાના ગામડાઓમાં જ્ઞાતિવાદ અને ભાજપ કોંગ્રેસથી નારાજ થઈ અપક્ષોએ શસ્ત્ર ઉઠાવતાં ચૂંટણી ચર્ચાઓ પણ ચકડોળે ચડી છે.ગામડાના મતદારોનો મિજાજ જાણવા ભાસ્કરના પ્રતિનિધિઓએ ગામડાઓમાં ફરી જાણી કેટલીક રોચક વિગતો.
ડુચકવાડા (દિયોદર): મતદારોનો મિજાજ જાણવો, લોઢાના ચણા સમાન
દિયોદરના ડુચકવાડા ગામે ખેડૂતે જણાવ્યું કે 'મોંઘવારી તો ઠીક પરંતુ 6000 રૂપિયા ખાતામાં તો આવે છે ને ભાઈ.તો બીજી તરફ કેટલાકે જણાવ્યું કે ઉમેદવાર કોઈપણ આવે પરંતુ ગામડાઓનો વિકાસ કરે અને જ્ઞાતિવાદ ન ચલાવે તે જ સાચો ઉમેદવાર કહેવાય. ત્યારે અમુક યુવાનોએ ચર્ચા કરતા હતા સરકારી કચેરીઓમાં ભરતી તો થઈ રહી છે પરંતુ પેપર ફૂટવાના ડરે પરીક્ષા આપતા પહેલા ડર સતાવતો રહે છે. આ બાજુ વડીલોએ જણાવ્યું ગમે તેમ હોય મતાધિકારનો ઉપયોગ કરી મત આપવા તો જઈશું. ભલે ગમે તેને આપીએ.નાના સમાજના લોકોને મોટા સમાજના લોકો ગણતરીમાં લેતા નથી,પરંતુ તેવા નેતાઓને ખબર નથી કે નાના સમાજના મતો ચૂંટણીમાં ક્યારેક નિર્ણાયક સાબિત થતા હોય છે.
સુઈગામ (વાવ): લોકોમાં ચૂંટણીને લઈ નિરસતા જોવા મળી રહી છે
સુઇગામમાં ચાની લારી કે ગામના ચોરે બેઠેલા લોકોમાં ચૂંટણીને લઈ નિરસતા જોવા મળી રહી છે.ભાજપના ઉમેદવાર સાથે રાજપૂત સમાજના પારિવારિક પ્રશ્નને લઈ સમાજ નારાજ જણાઈ રહ્યો છે,જેને લઈ ભાજપમાં કોઈ હલચલ જેવું જોવા મળતું નથી, ભાજપે સુઇગામ પ્રાંત બનાવી નડાબેટનો વિકાસ કરી ઓળખ અપાવી છે. તો કેટલાક લોકોએ કહ્યું કે ગામમાં પિયતની સુવિધા ન હોઈ વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ વિધાનસભામાં રજૂઆત કરી સુઇગામ સુધી નવી બ્રાન્ચ કેનાલ મંજુર કરાવી, પણ તેનું ખાતમુહૂર્ત ભાજપ સાંસદ પરબતભાઇ પટેલ અને શંકરભાઇ ચૌધરીએ કર્યું. સુઇગામ ખાતે ભાજપ કાર્યાલય પણ બંધ છે,અને એ કાર્યાલય મોરવાડા ખાતે ખસેડાયું છે કેટલાકને કોંગ્રેસ સાથે મેળ છે,અને વ્યક્તિ તરીકે ગેનીબેનથી સારા સંબંધો છે, તો કેટલાકને ભાજપથી મેળ છે,પણ ઉમેદવારથી મનમેળ નથી,જેને લઈ ભાવે એ ગમતું નથી અને ગમે છે તે ભાવતું નથી એવો અસ્પષ્ટ ઘાટ ઘડાયો છે.
દાંતીવાડા (ધાનેરા) અહીં દાંતીવાડા ડેમ પાણીથી ભરેલો છે પણ ત્રીજા અપક્ષ નેતાએ પાણી દેખાડ્યું
ધાનેરા વિધાનસભામાં આવતા દાંતીવાડા ગામ 3000 હજારથી વધુ વસતી ધરાવે છે,આથી સ્થાનિક કક્ષાએ હાલમાં માવજી દેસાઈ અપક્ષ લડવાની જ્યારથી જાહેરાત કરી ઉમેદવારી નોંધાવી છે, લોકો કહી રહ્યા છે કે ડેમમાં પાણી છે. અમારું પાણી પાટણ સુધી સિંચાઈ માટે જાય છે. ડેમના લીધે ખેડૂતો સુખી અને સમૃદ્ધ છે. પણ ભાજપના નેતા માવજી દેસાઈની ટિકિટ કપાતા હવે ઈતર સમાજના નેતા બની ઉમેદવારી નોધાવી છે,જ્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી-પટેલ છે લાભ કોને થાય એ કળવું દાંતીવાડાના મતદારો માટે મુઠ્ઠી બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.