જાહેરનામું:બનાસકાંઠા જિલ્લામાં મતદાન મથકની 200 મીટરની અંદર રાજકીય પક્ષો ચૂંટણી મથક ઉભુ કરી શકશે નહીં

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની જાહેરાત થવાથી આદર્શ આચારસંહિતા અમલી બની છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં આ ચૂંટણી માટે મતદાન તા.5 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે અને મતગણતરી તા. 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા. 10 ડિસેમ્બરના રોજ પુરી થવાની છે.
ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મૂકાયા
આ ચૂંટણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાતની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર તા. 5 ડિસેમ્બરના રોજ મતદાનના દિવસે મતદાન મથક નજીક ઉમેદવારો, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે.
200 મીટરની અંદર ચૂંટણી મથક ઉભું કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લામાં આ ચૂંટણી દરમિયાન ઉમેદવારો, રાજકીય પક્ષો દ્વારા 5 ડિસેમ્બરના રોજ મતદાનના દિવસે કોઇ શૈક્ષણિક સંસ્થા હોસ્પિટલમાં કે, તેને અડીને આવી હોય તેવી જગ્યામાં કોઇપણ મતદાન મથકની 200 મીટરની અંદર કોઇ ટેબલ કે ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડાં કે છત્રીની વ્યવસ્થા કરી ચૂંટણી મથક ઉભું કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આ જાહેરનામું 10 ડિસેમ્બર સુધી અમલમા
​​​​​​​
મતદાન મથકથી 200 મીટરનું અંતર છોડીને સંબંધિત સ્થાનિક સત્તામંડળની લેખિત પરવાનગી મેળવીને ચૂંટણી મથક ઉભું કરી શકાશે અને તેમાં બે વ્યક્તિઓ બેસી શકશે. આવા મથક ખાતે ઉમેદવારનું નામ, પક્ષ, ચૂંટણી પ્રતિક દર્શાવવા માટે એક બેનર મૂકી શકશે. આ સ્થળે ટોળુ ભેગું થઇ શકશે નહિ. હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ કસૂરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તા.10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...