કનૈયાકુમારના આકરા પ્રહાર:'પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેમના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIનો સેક્રેટરી બનાવે છે'

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા

ગુજરાત ઈલેકશનમાં કૉંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયાકુમારે આજે બનાસકાંઠાના વડગામમાં કૉંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણી માટે સભાન સંબોધી હતી. અહીં કનૈયા કુમારે ભાજપના પરિવારવાદને લઈ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIના સેક્રેટરી બનાવે છે.

પરિવારવાદને લઈ ભાજપ પર પ્રહારો કર્યા
વડગામ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પહેલા વિધાનસભા વિસ્તારમાં એક સભાનું પણ આયોજન કરાયું હતું. જેમાં કૉંગ્રેસના સ્ટાર પ્રચાર કનૈયાકુમાર હાજર રહ્યા હતા. કનૈયા કુમારે પરિવારવાદને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIનો સેક્રેટરી બનાવે છે. વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી હંમેશા કૉંગ્રેસ પર પરિવારવાદનો આક્ષેપ કરે છે. પરંતુ, સચ્ચાઈ એ છે કે, મારા અને જિગ્નેશ જેવા લોકો માટે જગ્યા છે તો આજે પણ કૉંગ્રેસમાં છે.

ભાજપ પર શામ, દામ, દંડ, ભેદનો આક્ષેપ
કનૈયાકુમારે કહ્યું હતું કે, ગુજરાતમાં અમારા અન્ય મિત્રો પણ હતા. ભાજપ લડવાવાળા લોકો સાથે કેવું વર્તન કરે છે તેની મને ખબર છે. પહેલા ડરાવે છે. ન ડરો તો કાનૂની મામલામાં ફસાવી જેલમાં બંધ રાખે છે. તેમ છતાં પણ ન ડરો તો નોટ બતાવે છે.

2017માં અપક્ષ ચૂંટણી લડેલા જિગ્નેશ મેવાણી હવે કૉંગ્રેસના ઉમેદવાર
વડગામ બેઠક પર 2017 વિધાનસભા ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જો કે, હવે તે કૉંગ્રેસમાં જોડાઈ જતા કૉંગ્રેસે તેને વડગામ બેઠક પરથી જ ટિકિટ આપી છે. ત્યારે આજે કૉંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયા કુમારે જિગ્નેશ મેવાણી માટે સભાને સંબોધી હતી.

ભાજપ વિકાસના નામે લોકોને ભ્રમિત કરી રહી છે- કનૈયાકુમાર
વડગામમાં સભા યોજ્યા બાદ કનૈયાકુમારે અમદાવાદમાં પણ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર પ્રહારો કર્યા હતા. કનૈયાકુમારે ભાજપ પર વિકાસના નામે લોકોને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો હતો. કહ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણી ઐતિહાસિક રહેશે, આ વખતે પરિવર્તન થશે.અમે સકારાત્મક એજન્ડા પર ચાલીએ છીએ, અમે લોકોના મનની વાત કરીએ છીએ. 27 વર્ષ ગુજરાતના લોકોએ એક જ પાર્ટીને આપ્યો તેનું પરિણામ તમે જોઈ રહ્યા છો.ભાવનાવાત્મક નહીં સત્ય અને લોકોની જરૂરિયાત પર ચૂંટણીઓ થવી જોઈએ.

'ગુજરાતના નિર્ણયની દેશ પર અસર પડે છે'
કનૈયાકુમારે કહ્યુ હતું કે, ગુજરાત શું નિર્ણય લે છે તેની અસર દેશ પર પડે છે.દુનિયામાં ભારતયી લોકોનું જે નેટવર્ક છે તેમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. મારી અપીલ છે કે, 27 વર્ષ થઈ ગયા છે. દેશને નવી રાજનીતિ શરૂ કરવાની જરુર છે. ગુજરાત શું નિર્ણય લે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે,ગાંધી- પટેલની ભૂમિ પર અમે જ્ઞાન શું આપીએ?

અન્ય સમાચારો પણ છે...