'રાજકારણ રાજકારણની જગ્યાએ રાખો':વાવમાં લોકોએ કોંગી MLA ગેનીબેનને ઘેર્યા, લોકોએ કહ્યું- 'યાદ રાખજો થરાદમાં પણ ઠાકોરોના 100 ગામ છે, તમે કોઈના હાથા ન બનો'

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કરી દીધો છે. જોકે, કેટલાક ઉમેદવારોને ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે ગયા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને વિકાસના કામોને લઈને અનેક સવાલો કર્યા હતા. જે અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 'યાદ રાખજો થરાદમાં પણ ઠાકોરોના 100 ગામ છે, તમે કોઈના હાથા ન બનો રાજકારણ રાજકારણની જગ્યાએ રાખો' તેમ પણ કેટલાક લોકો બોલી રહ્યા છે.

પ્રચાર દરમિયાન વિરોધ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પર મેદાનમાં હોવાની ત્રિપાખીયો જંગ જોવા મળશે. બનાસકાંઠામાં નવ વિધાનસભા બેઠકના ઉમેદવારો જીતવા માટે એંડીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વાવ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાવના હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં ગયા હતા ત્યારે કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જોકે, દિવ્યભાસ્કર આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ વિસ્તારમાં શું કામો કર્યા છે તેવા પણ સવાલો કર્યા
વાયરલ વીડિયોમાં કોંગ્રેસના વાવ ધારાસભ્ય અને ઉમેદવાર ગેનીબેન ઠાકોરને કેટલાક લોકો તમે વિકાસના ક્યા કાર્યો કર્યા છે તે મુદ્દે સવાલ પૂછી રહ્યા છે. જેમાં ગેનીબેન ઠાકોર પણ તેમના જવાબો આપી રહ્યા છે. થરાદમાં ઠાકોરના 100 ગામ છે યાદ રાખજો તમે કોઈના હાથા ન બનો રાજકારણને રાજકારણની જગ્યાએ રાખો તેમ કેટલાક લોકો વીડિયોમાં કહી રહ્યા હતા. તેમજ તમે આ વિસ્તારમાં શું કામો કર્યા છે તેવા પણ સવાલો કર્યા છે. આ વીડિયો ક્યારનો છે અને કયા ગામનો છે તે અંગે હજુ સુધી કઈ માહિતી સામે આવી નથી. તેમજ દિવ્યભાસ્કર ડિજિટલ આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

ઉમેદવારો જીતવા માટે એડીચોંટીનું જોર લગાવ્યું
વાવ વિધાનસભાની બેઠક ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેતી હોય છે. ભાજપમાંથી શંકર ચૌધરીને ટિકિટ આપવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જોકે, છેલ્લી ઘડીએ શંકર ચૌધરીને થરાદ વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા અને વાવમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેમજ આમ આદમી પાર્ટીએ ડોક્ટર ભીમભાઈને ટિકિટ આપી છે.

ગેનીબેન છે કોન્ટ્રોવર્સી ક્વીન

‘ઓલો નીતિન પટેલ બેઠો છે પાડા જેવો ગેંડા જેવો’
જાન્યુઆરી, 2019માં વાવ તાલુકાના ઇશ્વરિયા ગામે બે દિવસ અગાઉ સ્થાનિક રહીશો સાથે બેઠક ચાલી રહી હતી. બેઠકમાં કોઇકે વીડિયો ઉતારી લીધો હતો. 11 સેકન્ડના વીડિયોમાં જોવા મળ્યું હતું કે મીટિંગમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ કહ્યું હતું કે ‘આ રોડની તમે માગણી આલી, પણ ત્યાં બેઠો નીતિન પટેલ પાડા જેવો ગેંડા જેવો એ શું કરે? એ તો આ કોંગ્રેસવાળાને ક્રેડિટ અપાય જ નહીં..!’ ગેનીબહેનનો કહેવાનો મતલબ હતો કે નીતિન પટેલ કોંગ્રેસ ક્રેડિટ ન મેળવી જાય, તેથી રોડ રસ્તાનાં કામો રોકી રાખે છે. ગેનીબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે હળવાશના મૂડમાં બેઠા હતા. આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવી નથી.’

'દુષ્કર્મનો આરોપી પોલીસને ન સોંપાય, પેટ્રોલ છાંટી સળગાવી દેવાય'
ચારેક વર્ષ પહેલાં મહિલાઓ સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય ગેનીબેન દુષ્કર્મની ઘટના પર નિવેદન આપ્યું હતું કે આવી ઘટના જે દિવસે બની એ જ દિવસે 500-1000 ભેગા મળી પેટ્રોલ સળગાવી એ જ દિવસે પૂરો કરી દેવાય. તેને પોલીસના હવાલે ના કરાય. જોકે બાદમાં તેમણે આ મામલે ફેરવીતોળી કહ્યું કે મહિલાઓનો ગુસ્સો શાંત પાડવા માટે મેં તેમને આમ કહ્યું હતું. મેં મારા નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે ભારતમાં જે કાયદા છે એમાંથી બધાએ પસાર થવું પડતું હોય છે, મારો ઇરાદો વિવાદાસ્પદ નિવેદન આપવાનો નહોતો.

'ઠાકોરોને પછાત વાણિયાઓએ રાખ્યા'
ચારેક વર્ષ પહેલાં ધાનેરાના વાલેર ગામે સભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ઠાકોરોને પછાત વાણિયાઓએ રાખ્યા છે. દુકાળ સમયે ઘર છોડવા દીધું નહોતું. ઉધાર આપીને ઠાકોરો પાસેથી જમીન-જાગીર પડાવી લીધી હતી.

ઠાકોર સમાજની છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધને સમર્થન કર્યું હતું
ત્રણેક વર્ષ પહેલાં દાંતીવાડાના 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 18 વર્ષથી નાની વયની કે લગ્ન ન થયા હોય તેવી યુવતીઓને મોબાઇલ ફોન રાખવા પર પ્રતિબંધ મૂકવા સહિતના નિર્ણયો કર્યા હતા, જેમાં યુવતીઓને મોબાઇલ ન રાખવાના નિર્ણયનું ગેનીબેન ઠાકોરે સમર્થન કર્યું હતું. ગેનીબેને જણાવ્યું હતું કે બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાનાં 12 ગામે સમાજ સુધારાના ભાગરૂપે જે પહેલ કરી એમાં અમુક મુદ્દામાં મારો સૂર પુરાવું છું. ટેકનોલોજીના જમાનામાં દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી કે 18 વર્ષ સુધી મોબાઇલથી દૂર રહીને અભ્યાસ કરે એમાં કંઈ ખોટું નથી.

અન્ય સમાચારો પણ છે...