અત્યંત સામાન્ય પરિવારની પાયલે સતત સાડા ત્રણ વર્ષ સખત પરિશ્રમ કરી ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં અંડર 15 ટીમમાં પોતાની જગ્યા હાંસલ કરી છે. પાલનપુર શહેરના ગોબરી રોડ વિસ્તારમાં મામાના ઘરે રહીને ઉછરતી અને ગઠામણ ગેટ પાસેની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પાયલ ક્રિકેટમાં કાઠું કાઢવા માંગે છે અને એટલે પુરુષો જેવું રમી શકે એ માટે પાછલા સાડા ત્રણ વર્ષથી માત્ર છોકરાઓની સાથે જ રમતી પાયલએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સ્થાન પામતા પરિવારમાં ખુશી વ્યાપી છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાંથી એક પણ બાળકી આ સ્થાને પહોંચી નથી.
પાયલ અંગે વાત કરતા તેના કોચ સતીશ દેસાઈએ જણાવ્યું હતું કે "પાલનપુર જીડી મોદી કોલેજના ગ્રાઉન્ડમાં ટી.સી. ક્રિકેટ એકેડેમી હેઠળ પાયલ છોકરાઓની સાથે જ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે બેટિંગ કરે છે. તે ક્યારેક ક્યારેક સારી રાઈટ આર્મ ઓફ સ્પીન બોલિંગ પણ કરી લે છે. તેને અત્યાર સુધી સર્વાધિક 56 રનની ઇનિંગ રમી છે.
આગામી 23 ડિસેમ્બરે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમ જયપુર જવા રવાના થશે અને ત્યાં પાંચ ટીમો સાથે ટકરાશે. 2008માં 15મી માર્ચે જન્મેલી પાયલ બનાસકાંઠા મહિલા ક્રિકેટમાં આગામી સમયમાં મોટું નામ બની શકે તેમ છે. પાયલની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં તેણે ક્યારેય હિંમત હારી નથી. અને તેના મામા અને તેમના મિત્રો પાયલને આર્થિક સહકાર સહિત હુંફ આપી રહ્યા છે જેથી તે આગળ વધી શકે."
પાયલની ક્રિકેટ જોઈ સિલેક્ટર્સ પણ આફરીન થઈ ગયા
થોડા સમય અગાઉ રમાયેલી એક મેચમાં પાયલની બેટિંગ સ્ટાઇલ જોઈ સિલેક્ટર્સ આફરીન થઈ ગયા હતા અને એ વખતે તેની ઉંમર જોઈને તેઓ ચોકી ઉઠ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠામાં આવું રત્ન છુપાયેલું છે તેવું સિલેક્ટર્સના ધ્યાનમાં હોવાથી તેનો સમાવેશ આસાનીથી થઈ ગયો હતો. બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનની ટીમ માંથી માત્ર પાયલનું નામ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મોકલવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.