વાદળ, વરસાદ અને વહેતો ધોધ...:વડગામનો પાણિયારી ધોધ જીવંત બનતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, નયનરમ્ય દૃશ્યો જોવા લોકોનાં ટોળાં ઊમટ્યાં

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન
  • પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી નદી-નાળાં છલકાયાં

હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. એને લઇને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડગામનો પાણિયારી ધોધ જીવંત બન્યો છે. ધોધ જીવંત બનતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે, જેનાં નયનરમ્ય દૃશ્યો જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.

આહલાદક દૃશ્યો
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી નદી-નાળાં છલકાયાં છે. ત્યારે પાણિયારી ધોધ જીવંત બનતાં આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં. ભાગ્યે જ જોવા મળતાં આ દૃશ્યોને નિહાળવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.

ચારેબાજુ પાણી પાણી
આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે લાખણી, દાંતીવાડા અને ડીસામાં બે કલાકમાં જ મેઘરાજાએ પાણી...પાણી...કરી દીધું હતું. સવારે 10થી 12 દરમિયાન ડીસામાં બે ઈંચ, દાંતીવાડામાં અઢી ઈંચ અને લાખણીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં ધીમી ધારે મેઘમહેર થઈ રહી છે.

ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં વરસાદની હજી ઘટ વર્તાઈ રહી છે. તેની વચ્ચે જ આજે જાણે મેઘરાજા આ ઘટ પૂરી કરવા પધાર્યા હોય એ રીતે વરસી રહ્યા છે. ત્યારે ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. જિલ્લામાં થયેલા વાવેતર પર કાચા સોનારૂપી વરસાદ વરસતાં ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ વરસે એવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...