પાલનપુર- આબુ હાઇવે ઉપર સોનગઢના પાટીયા પાસે બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં સોનગઢ મર્કેન્ટાઇલ બેંકના બ્રાંચ મેનેજરનું મોત થયું હતુ. તેઓ નોકરી પુરી થયે પાલનપુર સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની કારને પાછળથી કાર ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.તાલુકાના સાગ્રોસણાના અને હાલ પાલનપુર તીરૂપતિ ઉમા બંગ્લોઝમાં રહેતા રમેશભાઇ ગણેશભાઇ કર્ણાવત સોનગઢ મર્કેન્ટાઇલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતા. જેઓ રાબેતા મુજબ પોતાની કાર નં. જીજે. 01. એચપી. 1631 લઇ સોમવારે સાંજે ઘરે પરત આવી રહ્યા હતા.
ત્યારે સોનગઢ પાટીયા પાસે પાલનપુર- આબુ હાઇવે ઉપર રોડ ક્રોસ કરતી વખતે પાલનપુર તરફથી પુરઝડપે આવતી કાર નં. જીજે. 01. એચ. ડબલ્યું. 8226ના ચાલકે તેમની કારને પાછળથી ટક્કર મારી હતી. જેમાં રમેશભાઇને ગંભીર ઇજા થતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. આ અંગે સાગ્રોસણાના સુરેશભાઇ મગનભાઇ કર્ણાવતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.