પાલનપુર વિધાનસભાના કોંગ્રેસના મહેશ પટેલ પાછલી બે ટર્મથી ચૂંટાઈ રહ્યા હતા. દસ વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા હોવા છતાં ઉડીને આંખે વળગે તેવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી ન હતી, મતદારોએ બીજીવાર ભરોસો રાખીને તેમને 2017માં જીતાડ્યા હતા પરંતુ પાંચ વર્ષમાં ગામેગામ બાંકડાઓ મૂકવા સિવાય કોઈ કામ ન કર્યા હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ વખતે ડીસામાં બ્રાહ્મણની ટિકિટ કાપીને પાલનપુરમાં બ્રાહ્મણ ઉમેદવાર અનિકેત ઠાકર નવા ચહેરા પર ભાજપે દાવ અજમાવ્યો હતો જેમાં અનિકેત ઠાકરે ભૂતકાળની ચૂંટણીની રણનીતિથી વાકેફ હોવાના લીધે જે બુથોમાં ઠાકોર સમાજના મતો કોંગ્રેસમાં પડતા હતા. ત્યાં માઇક્રો પ્લાનિંગ કરીને એ મતોને પોતાની તરફ વાળવામાં સફળતા મેળવી હતી. તેમજ નારાજ પાટીદારોને મનાવવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ , મહેન્દ્ર પટેલ અને મનસુખ માંડવીયા જેવા ટોચના નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા.
જેના લીધે પાલનપુર સીટનું પરિણામ ભાજપ તરફી રહ્યું હતું. રાજકીય વિશ્લેષક નિલેશ મોદીએ જણાવ્યું હતું કે "સૌથી વધુ કોંગ્રેસને માર પાલનપુર તાલુકાના મોટા ગામોમાં પડ્યો છે. જ્યાં કોંગ્રેસને વધુ મત મળતા હતા ત્યાં ભાજપ તરફી મતદાન થયું છે. માલણ સહિતના ગામોમાં તેમજ ગઢ પટ્ટીના ગામોમાં કમળ પર લોકોએ પસંદગી ઉતારી છે. જ્યારે કેટલાક ગામોમાં 2017માં ઠાકોર સેના ભાજપથી નારાજ હતી જેના લીધે કોંગ્રેસ તરફી હતી તે આ વખતે ફરી ભાજપ તરફ ઢળી છે. જેનો લાભ અનિકેત ઠાકરને મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.