પાલનપુર તાલુકાના ખસા ખાતે કાર્યરત પે કેન્દ્ર પ્રા.શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી વિજ્ઞાનના શિક્ષક ન હોવાથી બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. જ્યાં છેલ્લે લેવાયેલી પરીક્ષામાં ધોરણ સાતનો આખો વર્ગ નાપાસ થતાં વાલીઓમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે.
પાલનપુર તાલુકાના ખસા ગામમાં 2500ની વસ્તી છે. જ્યાં સરકારી પે કેન્દ્ર પ્રા. શાળા કાર્યરત છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં વિજ્ઞાનના શિક્ષક જ નથી. જેના કારણે વિધાર્થીઓને અભ્યાસમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તેમનું ભાવી અંધકારમય ભાસી રહ્યું છે.
ખાસ બાબત એ છે કે, વિજ્ઞાનના શિક્ષક ન હોવાથી વિધાર્થીઓનો અભ્યાસક્રમ પુરો થયો ન હતો. જેના કારણે દિવાળી અગાઉ લેવાયેલી પરીક્ષામાં ધોરણ 7નો આખેઆખો વર્ગ 31 (જેમાં 11 કન્યા અને 20 કુમાર) વિધાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા હતા. જેના કારણે વાલીઓમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. અને સત્વરે વિજ્ઞાનના શિક્ષકની નિમણૂંક કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
જિલ્લા ફેરબદલી કેમ્પ પછી શિક્ષક મૂકાયા જ નથી
ખસા ગામની પે કેન્દ્ર શાળામાં ધોરણ 1 થી 7માં કુલ 230 છાત્રો અભ્યાસ કરે છે. જ્યાં તંત્ર દ્વારા યોજાયેલા જિલ્લા ફેર બદલી કેમ્પમાં શાળાના વિજ્ઞાનના શિક્ષકની બદલી થઇ હતી. જે પછી અહીંયા શિક્ષક મુકવામાં ન આવતાં છાત્રો નાપાસ થયા છે.
ભરતીને અગ્રિમતા અાપવામાં આવશે
ખસા પે કેન્દ્ર શાળામાં વિજ્ઞાનના શિક્ષકની ભરતી થાય તે માટે હવે પછીની ભરતીમાં અગ્રિમતા અપાશે. વર્તમાન સમયે છાત્રોનું શિક્ષણ ન બગડે તે માટે પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવશે. - ડો. વી. એમ. પટેલ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.