પાલનપુર પાલિકામાં ઓછા ભાવે સ્ક્રેપ આપી દેવા મુદ્દે કારોબારી ચેરમેન દીપક પટેલે આખા મામલામાં દોષનો ટોપલો હવે વર્કઓર્ડર આપનાર ચીફ ઓફિસરના માથે ઢોળ્યો છે. કારોબારી ચેરમેન એ ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત ફરિયાદ કરીને કહ્યું કે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. વર્ક ઓર્ડર કોણે આપ્યો? ન્યાયિક તપાસ કરાવાવામાં આવે.
તો ભાસ્કરની પડતાલમાં જાણવા મળ્યું કે તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે ટેન્ડર બહાર પાડ્યું હતું અને ત્યાર બાદ તેમની બદલી થતાં સપ્તાહ માટે આવેલા ચીફ ઓફિસર પંકજ બારોટએ વર્ક ઓર્ડર આપ્યો હતો. જેમાં વધુ ભાવ આપનાર 2 એજન્સીઓને કામ અપાયું હતું અને મોટાભાગનો સ્ક્રેપ લઈ ગયા હતા. જોકે વિવાદ થતા બંને એજન્સીઓએ અંદાજિત 10 લાખની રકમ જુદી જુદી તારીખોમાં પાલિકાના એકાઉન્ટમાં જમા કરાવી છે.
પાલનપુરની નગરપાલિકામાં ભંગારનો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ કારોબારી સમિતિના ચેરમેન વિવાદમાં સપડાયા હતા અને સસ્તા ભાવે ભંગાર આપી દેવાની પ્રક્રિયા સામે પાલિકાના ભાજપના સભ્યોમાં આંતરિક કચવાટ વ્યાપી ગયો હતો. વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે "પાલિકાના માલ સામાનની જાહેરમાં હરાજી કરવી જોઈએ પ્રમુખ અને ઉપપ્રમુખની સહી વગર કારોબારી સમિતિના ચેરમેને ખોટું કર્યું છે.
કારોબારી સમિતિના ચેરમેન પદેથી દિપકભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ." તો બીજી તરફ કારોબારી સમિતિના ચેરમેન દીપકભાઈ પટેલે વર્ક ઓર્ડર તેમની જાણ બહાર અપાઈ ગયો હોવાનું જણાવી પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું હતું કે "પાલિકાની જુદી જુદી શાખાઓમાં જુદીજુદી જગ્યાએ પડેલ ભંગાર ચીજ વસ્તુઓનો નિકાલ કરી નગરપાલિકામાં આવક આવે તે હેતુસર કારોબારી કમીટીએ ભંગારનું વેચાણ નિયમ અનુસાર કરવાનું નકકી કરાતા જાહેરાત આપી બંધ કવરમાં ભંગારના ભાવ મંગાવવામાં આવેલ જે બાદ ચીફ ઓફીસરએ નેગોશીએશન માટે બોલાવવા ત્રણેય પાર્ટીઓને બોલાવી છેલ્લા ભાવ લખી આપ્યા.
ભંગાર લેવાવાળી પાર્ટીના ભાવ લઈ આગળની કાર્યવાહીમાં તે ભાવ ઉપપ્રમુખ અને પ્રમુખની જાણ માટે નોંધ કરી મોકલવામાં આવેલા એના પછીની ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયા આગળ કરવામાં આવી નથી કે તેની કારોબારી સમીતીમાં બહાલી પણ આપવામાં આવી નથી, તો હજુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા ભંગાર ખરીદનાર પાર્ટીઓના વર્ક ઓર્ડર કેવી રીતે આપી દેવામાં આવ્યો અને ક્યા નિયમ અનુસાર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો તેની તપાસ થવી જરૂરી છે. નગરપાલિકાના હિતમાં એક કમિટી બનાવી જેમાં વિપક્ષને પણ સામેલ રાખી તટસ્થ તપાસ કરી આગળની કાર્યવાહી થાય.
આ સાધનો સ્ક્રેપમાં અપાયા
રોડ સ્વીપર નાનું, બજાજ રિક્ષા, લિફટીંગ નંગ-1, આરમડા જીપ, એમ્બ્યુલન્સ, ટોલીઓ, નાનું ટેન્કર, મોટુ લાલ ટેન્કર, મેલાનું પંપવાળું ટેન્કર, કંટેઈનર એન્જીન સાથે, લીફટીંગ નંગ-3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.