રાજકારણ:પાલનપુર, દિયોદર અને કાંકરેજની બેઠક પર કોંગ્રેસ રાત સુધી ઉમેદવારો નક્કી ન કરી શકી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં મહેશ પટેલની ટિકિટ કપાવવાના ડરથી સમર્થકો કોંગ્રેસ કાર્યાલય ઘૂસી ગયા
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખે દિયોદર પર દાવેદારી નોંધાવતા શીવાભાઈને સીટ ખાલી કરવી પડે તેવી નોબત,કોંગ્રેસના સાત સભ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી

પાલનપુરમાં મહેશ પટેલની ટિકિટ જાહેર ન કરાતા સોમવારે સવારે સાત નગર સેવકોએ રાજીનામાંની ચીમકી ઉચ્ચારી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ સહિત પાટીદારોનું ટોળું વિરોધ નોંધાવા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ધસી ગયું હતું જ્યાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા હતા. રોષે ભરાયેલા કોંગી નેતાએ જણાવ્યું હતું કે "જો મહેશ પટેલની ટિકિટ નહીં આવે તો બાકીની સીટો ઉપર પણ અસર પડશે."કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરાઈ હતી જેમાં 33 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠામાં પાંચ સીટો પરના સીટિંગ ધારાસભ્યને ઉમેદવાર જાહેર કરાયા છે.

જોકે પાલનપુર અને દિયોદર કાંકરેજમાં ઉમેદવાર પર સસ્પેન્સ હજુ યથાવત છે જ્યારે વાવમાં ગેનીબેન ઠાકોર, થરાદમાં ગુલાબ રાજપુત, ધાનેરામાં નથાભાઈ પટેલ, દાંતામાં કાંતિભાઈ ખરાડી, વડગામમાં જીગ્નેશ મેવાણીને ટિકિટ આપવામાં આવી હતી. પાલનપુરમાં મહેશભાઈની ટિકિટ કપાઈ રહી હોવાનો અણસાર આવી જતા પાટીદાર વેપારીઓમાં અને કેટલાક કોંગ્રેસી નગરસેવકો નારાજ થયા હતા અને સવારે મહેશભાઈના કાર્યાલય પર આવી આ અંગે તપાસ કરી હતી જે બાદ તમામ લોકો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ગયા હતા

પરંતુ તમામ લોકો ડીસા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હોવાથી કાર્યાલય પર તાળું જોવા મળ્યું હતું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસી નગરસેવકો અને પાટીદાર વેપારીઓએ જણાવ્યું હતું કે "પાલનપુર વિધાનસભા પર 40 હજારથી વધારે પાટીદાર જોતા આ સીટ મહેશ ભાઈ માટે સિક્યોર છે. તેમને ટિકિટ ના આપવાની હોય તો ટેલીફોનિક સૂચના શા માટે આપી અને અમે ફટાકડા ફોડ્યા, હારતોરા પહેરાવ્યા એનું શું? આ તો અન્યાય કહી શકાય.

મહેશ પટેલે કહ્યું ટિકિટ મળે તો વાંધો નથી,ન મળે તોય વાંધો નથી
બીજી બાજુ મહેશભાઈ ને આ અંગે પૂછતાં જણાવ્યું હતું કે " કોંગ્રેસને ટિકિટ આપવી હોય તો પણ વાંધો નથી. ન આપે તો પણ વાંધો નથી મારો આ બાબતે કોઈ વિરોધ નથી." પાલિકાની વિપક્ષી નેતા અંકિતા ઠાકોરએ જણાવ્યું હતું કે " અમે પાર્ટી સાથે છીએ.

દિયોદર સીટના લીધે કોકડું ગૂંચવાયું
કોંગ્રેસના કેટલાક અગ્રણીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે "જિલ્લા કોંગ્રેસ પ્રમુખન દિયોદરના વતની છે અને તેમને દિયોદરમાં દાવેદારી નોંધાવી છે એટલે ત્યાં વર્તમાન ધારાસભ્ય શિવાભાઈને પડતા મૂકી અહીં પાલનપુર વિધાનસભામાં ચૌધરી ઉમેદવારને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે જિલ્લાનું ગણિત જોતા બે ચૌધરી સમાજને ટિકિટ આપવી પડે. અથવા કાંકરેજ કે પાલનપુરમાં ઠાકોર સમાજને ટિકિટ મળે તેવી પણ સ્થિતિ નિર્માણ પામી રહી છે. એટલે પાલનપુરમાં મહેશભાઈને હટાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...