ઠંડીએ ઉત્તર ગુજરાતવાસીઓને થથરાવી દીધા છે.ત્યારે વાવ ગ્રામ પંચાયત આગળ એક વૃદ્ધ ભિક્ષુકનું ઠંડીના કારણે સોમવારની રાતે મોત થયું હતું.ડીસામાં ઠંડીનો પારો 11.2 ડિગ્રી નોંધાયું હતુ. મંગળવારે વહેલી સવારે રોડ પરથી પસાર થતા લોકોની નજરે ચડતાં વાવ પોલીસને જાણ કરાઈ હતી. 108 મારફતે વાવ રેફરલ ખાતે મૃતદેહ લઈ જઈ પી એમ ની તજવીજ હાથ ધરાઈ હતી. ફરજ પરના તબીબે ઠંડીના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન હોવાનું જણાવ્યું હતું. શરીરે કોઈ નિશાન મળી આવ્યા ન હતા.
રાજસ્થાનમાં બનેલા સાયકલોનીક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર થી ઉત્તરપ્રદેશને જોડતી ટ્રફ લાઇનના કારણે મંગળવારે સવારે ઉત્તર ગુજરાતમાં હવામાં ભેજનું પ્રમાણ 75% ની આસપાસ પહોંચ્યું હતું. જેને લઈ સવારે 9 વાગ્યા સુધી ગાઢ ધૂમ્મસ છાયું વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારે તો ધુમ્મસના કારણે ઝીરો વિજીલીબિટી જેવી સ્થિતિ રહી હતી. આ દરમિયાન પાંચેય શહેરોમાં ઠંડીનો પારો 10.1 થી 11.3 ડિગ્રી રહ્યો હતો. બીજી બાજુ દિવસભર ધુમ્મસ છાયા વાતાવરણના કારણે સૂર્ય પ્રકાશ પણ ઝાંખો રહ્યો હતો.
જેને લઈ બપોરનું તાપમાન 23 થી 25.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. દિવસભર 13 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ઠંડુંગાર રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે. ત્યાર બાદ આગામી 27 થી 29 જાન્યુઆરી સુધીમાં ઠંડી 2 થી 4 ડિગ્રી ઘટશે. હજુ બે દિવસ સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.