ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાણી એરફોર્સથી ગાયોને 29 પાંજરાપોળમાં ખસેડવા અભિયાન શરૂ, પશુપાલકોએ દસ વર્ષમાં 2000 ગાયો ઘૂસાડી દીધી

પાલનપુરએક મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
  • નાણી એરફોર્સની વિશાળ જમીન ફરતેની દીવાલના બાકોરામાંથી પશુપાલકોએ દસ વર્ષમાં 2000 ગાયો ઘૂસાડી દીધી
  • કલેકટરની સુચનાથી સેવાભાવી લોકોની મદદ લઇ રીબાતી ગાયો લાખણી પાંજરાપોળમાં મોકલવાનું કાર્ય હાથ ધર્યું

ડીસા અને લાખણી વચ્ચે નાણી ગામ પાસે કેન્દ્ર સરકારની એરફોર્સની વિશાળ જમીન આવેલી છે. જેની ફરતે ચણવામાં આવેલી દીવાલોના બાકોરામાંથી આજુબાજુના વિસ્તારના પશુપાલકોએ છેલ્લા દસ વર્ષમાં અનઅધિકૃત રીતે 2000થી વધુ ગાયો ઘુસાડી દીધી છે. જ્યાં ઘાસચારો અને પાણીના અભાવે રીબાઈ રહેલી આ ગાયોને નજીકની 29 પાંજરાપોળમાં ખસેડવાનું ઐતિહાસિક કામ વહીવટીતંત્ર અને સંગઠન સહિત સેવાભાવી સંસ્થા- લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

એરફોર્સની જગ્યામાં પ્રવેશની મનાઇ છે : નિતીનભાઈ સોની
ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, એરફોર્સની જગ્યામાં પ્રવેશની મનાઇ છે. છતાં કેટલાક પશુપાલકો પોતાના નકામા બનેલા પશુઓ ગાય, બળદ, ઊંટ સહિતના પશુઓ અહિંયા બિન અધિકૃત રીતે મૂકી જાય છે. ગાયોના કાન ઉપર ટેગ પણ મારેલી છે. જ્યાં દાતાઓ દ્વારા મહિનામાં 15 થી 17 દિવસ ઘાસચારો અપાય છે.

300 થી 400 ગાયોને માંડ ઘાસચારો મળે છે
પશુઓની સંખ્યા વધુ હોવાથી 300 થી 400 ગાયોને માંડ પુરતો ઘાસચારો મળતો હોય છે. બાકી ભૂખી રહી તડપી તડપીને મરી રહી છે. અશકત ગાયોને કુતરા પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરતા તેમની સૂચનાથી ગાયોને નજીકની પાંજરાપોળમાં ખસેડવાનું ઐતિહાસિક કામ શરૂ કરવામાં આવ્યું છે.

10 લાખ ખર્ચ થશે, મદદ માટે અપીલ કરાઇ
દિવસના બે ટ્રેકટર ભરીને ગાયો પાંજરાપોળમાં લઇ જઈએ છીએ. શનિવાર સુધીમાં કુલ 379 ગાયો ખસેડી છે. બધી ગાયો બહાર કાઢવા માટે અંદાજીત 10 થી 12 લાખ ખર્ચ થશે.વર્તમાન સમયે રોજનું બે ટ્રક ભરીને ઘાસ પણ અપાઈ રહ્યું છે.

આ કામમાં ડીસાના રમેશભાઈ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, કરણભાઇ ચૌધરી, દિપકભાઈ કછવા, નીરવભાઈ ઝવેરી, હિતેશભાઈ સૂંધા જ્વેલર્સ, આકાશ સોની, જયદીપભાઈ ચોખાવાલા, ઘનશ્યામભાઈ સોની, નટવરજી ઠાકોર, પ્રકાશસિંહ સોલંકી દાસાણાવાસ, મોતીભાઈ દેસાઈ કમોડા, અલ્પેશભાઈ દેસાઈ નાણી, પ્રવીણભાઈ ઠાકોર નાણી, મોતીભાઈ દેસાઈ નાણી હરજીભાઈ ઠાકોર નાણી, મહેશભાઈ સોની શેરપુરા, ભાઈચંદભાઈ પંચાલ પાલનપુર, ભાવેશભાઈ ઠક્કર ડીસાનો સહયોગ મળે છે. દાતાઓને મદદ માટે અપીલ કરી છે. - નીતિનભાઈ સોની (પ્રમુખ, હિંદુ યુવા સંગઠન ડીસા)

સીધી વાત - કે.પી. પટેલ, લાખણી મામલતદાર
પ્રશ્ન : એરફોર્સની જગ્યામાં ગાયો કેવી રીતે પ્રવેશી ?
ઉત્તર: ભૂતકાળમાં પડેલા ભારે વરસાદના કારણે પૂરના પાણીથી દીવાલમાં બાકોરા પડ્યા હતા. જ્યાંથી પશુઓ અંદર પ્રવેશ્યા છે. કોઈ વ્યક્તિઓ દ્વારા દીવાલ તોડવામાં આવી નથી.
પ્રશ્ન: કેટલા વર્ષથી અને આ જગ્યામાં કેટલી ગાયો હશે ?
ઉત્તર: અંદાજિત 9 વર્ષ ઉપરાંતના સમયથી આ સ્થળે માત્ર ગાયો જ નહીં પરંતુ નીલગાય, ઊંટ સહિતના 4000થી વધુ પશુઓ છે. જગ્યામાં જ ગાયો વિયાય છે. જેમના બચ્ચાઓ થી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
પ્રશ્ન: ટેગ વાળી ગાયોના માલિકો સામે કાર્યવાહી થશે
ઉત્તર: વેટનરી ટીમ દ્વારા તપાસ કરાવી ટેગવાળી ગાયોના માલિકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ ગાયો તેમને પરત આપવામાં આવશે.ઉપરાંત એક જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા આદિજાતિ ગરીબ પરિવારનું સર્વે કરી દૂધ આપતી ગાયોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેથીપરિવારો ગુજરાન ચલાવી શકે.
પ્રશ્ન: ગાયો અન્ય જગ્યા પણ ખસેડાશે
ઉત્તર: વહીવટીતંત્ર અને જીવદયા સંગઠનો દ્વારા સારૂ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડીસાના સંગઠન દ્વારા ગાયો લાખણીની 29 ગૌશાળાઓમાં ખસેડાઈ રહી છે. જરૂર જણાશે તો જિલ્લાની અન્ય ગૌશાળાઓમાં પણ ગાયોને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...