ધારાસભ્યની રજૂઆત:ધાનેરા અને દાંતીવાડામાં સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા ધારાસભ્યએ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પાણી પુરવઠા મંત્રીને ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવા પત્ર લખ્યો છે. વહેલી તકે વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે. દાંતીવાડા અને ધાનેરા તાલુકાના લોકો માત્રને માત્ર ખેતી અને પશુપાલન આધારિત છે ત્યારે સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન આં વિસ્તારના ખેડૂતો માટે પ્રાણપ્રશ્ન બની રહ્યો છે જેથી વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.

પાણીનો પ્રશ્ન વિસ્તારના ખેડૂતો માટે પ્રાણપ્રશ્ન
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ધાનેરા અને દાંતીવાડા તાલુકાના લોકો માત્રને માત્ર ખેતી અને પશુપાલન આધારિત જીવન જીવી રહ્યા છે ત્યારે સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન આ વિસ્તારના ખેડૂતો માટે પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. અહી સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતો મહદઅંશે બોરવેલ પર આધારિત છે પરંતુ દિવસે દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા હોવાથી સિંચાઈ માટેના બોરવેલ 1100 –1200 ફૂટ સુધી ઊંડા કરવાની નોબત આવી પહોચી છે. ઘણીવાર તો લાખો રૂપિયાના ખર્ચે આવા બોરવેલ બનાવવા છતાં ખેતી માટે યોગ્ય પાણી મળતું નથી, અને ખેડૂત દેવાદાર બની જાય છે. આવા બોરવેલમા 60 થી વધુ હોર્સપાવરની મોટરથી જ પાણી બહાર આવતું હોવાથી વીજબીલ પણ ખુબ જ વધી જાય છે. સૌથી વિકરાળ સમસ્યા તો એ છે કે જે ગતિએ ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે તે જોતાં આગામી બે ત્રણ વર્ષ પછી આ વિસ્તારના ખેડૂતોને હિજરત કરવાની ફરજ પડે ઓ પણ નવાઈ નહીં.

દાંતીવાડા ડેમ નર્મદાના નીરથી ભરવાની માગ
બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર દાંતીવાડા ડેમ આવેલો છે પરંતુ તેનું પાણી મહદઅંશે પાટણ જિલ્લાના ગામડાઓને જ મળતું હોવાથી આ વિસ્તારના લોકો તેના લાભથી વંચિત રહ્યા છે આ સંજોગોમાં દાંતીવાડા ડેમ નર્મદાના નીરથી ભરવાની સરકારની વર્ષોથી ચાલતી યોજનાને અગ્રીમતા આપી યુધ્ધના ધોરણે આ યોજન પૂરી કરી દાંતીવાડા ડેમની સાથે સાથે બાજુમાં જ આવેલ સીપુ ડેમને પણ નર્મદાના પાણીથી ભરી આ વિસ્તારના ગામડાઓમાં નહેરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે તેવી આ વિસ્તારની પ્રજાની પ્રબળ માંગણી છે.
​​​​​​​સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં જયારે સૌની યોજના દ્વારા મળતા પાણીને સિંચાઈ માટે આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના છેવાડાના વિસ્તાર ધાનેરા દાંતીવાડા તાલુકા માટે પણ સરકાર તાત્કાલિક ધોરણે દાંતીવાડા અને સીપુ ડેમને નર્મદાના પાણીથી ભરી આ વિસ્તારના ગામડાઓમાં નહેરો દ્વારા પાણી પહોચાડવાનું નક્કર આયોજન કરે ગામડાઓમાં લિંક કેનાલો માઇનોર કેનાલો બનાવવાનું આયોજન કરી ખેડૂતના ખેતર સુધી પાણી પહોચાડવા માટે યુધ્ધના ધોરણે વહેલામાં વહેલી તક શરૂ થાય તેવી આપને સમક્ષ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું માંગણી કરું છું તેમ પત્રમાં અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...