જલ શક્તિ મંત્રાલયની ટીમ બનાસકાંઠામાં:પાલનપુર ખાતે કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરી, અંબાજી નજીક ચેકડેમ અને વન તલાવડીનું નિરીક્ષણ કર્યું

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટર આનંદ પટેલે જલ સંરક્ષણની વિવિધ યોજનાઓની માહિતી આપી
  • જલ શક્તિ મંત્રાલયના ડાયરેક્ટરે પ્રેઝન્ટેશન નિહાળી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો

કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયની ટીમ 3 દિવસની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત આવી છે. જલ શક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસર ટુ બનાસકાંઠા અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ડાયરેક્ટર આલોક માલવીયા અને એક્ઝીક્યુટીવ એન્જીનિયર શશાંક ભૂષણની ટીમે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટર અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવી હતી.

કેન્દ્ર સરકારે રૂ. 2.21 કરોડની ગ્રાન્ટ ફાળવી છે
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જલ સંરક્ષણની વિવિધ યોજનાઓની માહિતી આપતાં વન વિભાગ, સિંચાઇ, મનરેગા યોજના, સુજલામ- સુફલામ યોજના, અમૃત સરોવર તથા લોકભાગીદારીથી થઇ રહેલા વોટર રિચાર્જ કાર્યોની વિગતો આપી હતી. ગ્રે- વોટર ટ્રીટમેન્ટ યુનિટ, ખેત તલાવડી, કુવા રિચાર્જીંગની કામગીરી, કેનાલ, તળાવ અને નદી ડિસીલ્ટીંગની વિગતો આપવામાં આવી છે.

જિલ્લામાં 46 ચેકડેમોનું કામ પૂર્ણ થયું
જલ શક્તિ મંત્રાલયના ડાયરેક્ટર આલોક માલવીયાએ પ્રેઝન્ટેશન નિહાળી જિલ્લાની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય ક્ષેત્રે ખુબ સારું કામ થયું છે. ભૂગર્ભ જળ સંરક્ષણના નિયમોને અનુરૂપ સરસ કામ થયું છે ત્યારે આવનારા ભવિષ્ય માટે આ કામને સારી રીતે આગળ વધારવાનું છે.

જિલ્લામાં ચેકડેમના કામો પૂરજોશમાં
કેન્દ્રની ટીમે પ્રથમ દિવસે અંબાજી નજીક જલ શક્તિ અભિયાન હેઠળ થયેલા કામોની મુલાકાત લઈ ચેકડેમ અને વન તલાવડીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અંબાજી ગબ્બર પાછળ આવેલ ચેકડેમ, સરહદી છાપરી વિસ્તારના 1, 2, 3 ચેકડેમ સહિત દાંતા પશ્ચિમ રેન્જમાં આવેલ પીંપળીવન તલાવડીની પણ મુલાકાત લીધી હતી. તેમજ વન વિસ્તારમાં આવેલ કુવાનું નિરીક્ષણ કરી વનબંધુઓ સાથે પાણી અંગે વાર્તાલાપ કર્યો હતો. જે હેતુ માટે ચેકડેમ અને વન તલાવડીનું નિર્માણ કરવામાં આવ્યું છે એ હેતુ પરિપૂર્ણ થશે અને અંબાજી વિસ્તારના પાંચ કિ.મી. વિસ્તારોમાં જમીનમાં પાણીના તળ ઊંચા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જલ શક્તિ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 2.21 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના 50 ટકા લેખે જિલ્લામાં કુલ 108 ચેકડેમ પૈકી 46 ચેકડેમોનું કામ પૂર્ણ થયુ છે અને 39 ચેકડેમનું રીપેરીંગ તથા ડિસિલ્ટીંગ,15 ચેકડેમનું ડિસિલ્ટીંગ અને 54 ચેકડેમ રીપેરીંગનું કામ પ્રગતિ પર છે.

અન્ય સમાચારો પણ છે...