ધમકી:માવસરી પીએસઆઈ અને પત્ની સામે 11 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વેચાણે આપેલા મકાનનો દસ્તાવેજ ન કરતાં દિયોદર પાલડીના અરજદારે પીએસઆઇ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ આપતા આખરે પોલીસે ગુનો નોંધ્યો

દિયોદરની ઓમ પાર્ક સોસાયટીમાં માલિકીના રહેણાંક મકાનનો દસ્તાવેજ કરી આપવાનું કહી પાલડી ગામના અરજદાર પાસેથી 11 લાખની છેતરપિંડી આચરતા દિયોદર પોલીસ મથકે માવસરી પીએસઆઈ અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાઇ છે.

પાલડી ગામે રહેતા હિતેસિંહ ગજેસિંહ વાઘેલાની વર્ષ-2018 માં થરાદ તાલુકાના જાણદી ગામે રહેતા અને હાલ માવસરી પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નિલાભાઈ પટેલે દિયોદરના કોટડા હાઇવે પર ઓમ પાર્ક સોસાયટીમાં રોહાઉસ મકાન આવેલ છે. જે મકાન પૈસાની જરૂર હોવાથી વેચવાનું છે તેમ કહી હિતેસિંહને વિશ્વાસમાં લઇ મકાનનો દસ્તાવેજ કરી આપવાનું કહી મકાન રૂ.11 લાખમાં 22 ડિસેમ્બર-2018 ના રોજ પીએસઆઇ નિલાભાઇને રોકડા આપી વેચાણ લેખ કરાવ્યો હતો. અને આ રહેણાંક મકાનમાં પ્રગતિ બેંકનો બોજો હોઈ તે રકમ ભરપાઈ કરી મિલકતનો રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ સમય જતાં અવાર-નવાર કહેવા છતાં રજીસ્ટર દસ્તાવેજ ન કરી આપતા અને હિતેસિંહને ધમકી આપતા હિતેસિંહએ અગાઉ પણ પોલીસમાં લેખિત રજુઆત કરી હતી. જેમાં કોઈ કાર્યવાહી ન થતા આખરે હિતેસિંહએ દિયોદર કોર્ટના દ્વાર ખખડાવતા આખરે કોર્ટે ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા દિયોદર પોલીસ મથકે માવસરી પીએસઆઇ નિલાભાઈ પટેલ અને પત્ની નાવીબેન નિલાભાઈ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

PSIનો રોફઃ મિલકત ભૂલી જા રણમાં દોડાવી દોડાવીને મારી નાખીશ અને ત્યાંથી પાકિસ્તાનની તને હદમાં ફેંફી દઈશ
ફરિયાદમાં હિતેસિંહએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ‘તું મિલકત ભૂલી જા તારા જેવાને તો આવા ઘણા બાનાખત કરી આપ્યા છે અને તેમની પાસેથી રૂપિયા લીધા છે આ તો કાયમી ધંધો છે અને તું આ મિલકત અને રૂપિયા ભૂલી જજે અને હું પીએસઆઈ છું અને હાલમાં પણ રાજસ્થાનની હદમાં આવેલ માવસરીમાં નોકરી કરું છું. જેથી મારી લાગવગનો ઉપયોગ કરી તારા વિરુદ્ધ લૂંટ, છેડતી, દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ દાખલ કરીને દારૂના કોઈ પણ ગુનામાં તારું નામ ખોલીને ફસાવી નાખીશ અને ખોટી ફરિયાદોના આધારે અહીં લાવી માવસરી કે દૈયપના રણમાં દોડાવી દોડાવીને જાનથી મારી નાખીશ અને ત્યાંથી પાકિસ્તાનની હદમાં ફેંફી દઈશ. તારા પરિવારને તારી લાશનો પણ પતો નહીં લાગે તેવી ધમકી આપી હતી."

અન્ય સમાચારો પણ છે...