પાલનપુર તાલુકાના ચડોતર ખાતે સહકાર, ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રભુતામાં પગલાં પાડનારા 13 નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશિર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ધાન્ધાર પંચાલ સમાજ સમૂહ લગ્ન સમિતિના આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, પંચાલ સમાજ 282 પરગણામાં ફેલાયેલો સમાજ છે. ત્યારે માત્ર ધાન્ધાર સમાજ જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તે સમયની જરૂરીયાત છે. મંત્રીએ સમાજમાં એકતા-ભાઇચારા અને સંપની ભાવના પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ગોળ-પરગણાના વાડામાંથી બહાર આવી વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં વિચારવાની જરૂર છે.
એક મંચ પર ભેગા થઇ સમાજના વિકાસ માટે કામ કરવાની મંત્રીએ અપીલ કરી હતી. તેમણે નવદંપતિઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધી પોતાના માઁ-બાપના ઘર લાડકોડમાં ઉછરેલી દીકરી પિતાના કાળજાનો કટકો તમને સોંપી રહ્યા છીએ. ત્યારે તેમને સાચવવાની અને સન્માન આપવાની જવાબદારી હવે તમારી છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરીને ધાન્ધાર પંચાલ સમાજે અન્ય સમાજોને પ્રેરણા મળે તેવું સુંદર કાર્ય કર્યુ છે. તેમણે પ્રભુતામાં પગલાં માંડનારા 13 નવદંપતિઓને આશિર્વાદ આપી સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા પંચાલ સમાજનું ગૌરવ છે.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલે નવદંપતિઓને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે ધાન્ધાર પંચાલ સમાજ દ્વારા સમાજમાં થતાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને દૂર કરવા માટે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે આજે પંચાલ સમાજ પોતાની મહેનતથી તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે જે અભિનંદનને પાત્ર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.