સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ:બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળને સહાય ના ચુકવતા સંચાલકોમાં રોષ, પશુઓને સરકારી કચેરીમાં છોડી દેવાની ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ
  • સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું: સંચાલકો

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત તો કરી હતી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નીતિ ન કરાતા આજે ગૌશાળા સંચાલકોની બેઠકમાં સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને જો તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં નહીં આવે તો તમામ પશુઓને સરકારી કચેરીઓમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું: સંચાલકો
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં રખડતાની સહાય, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓને સાર સંભાળ થાય છે. આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી. પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે. તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે.

પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી
અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે જિલ્લાના તમામ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક યોજાઇ હતી અને ત્યારબાદ તમામ સંચાલકોએ પાલનપુર કલેકટર કચેરી જઇ આવેદનપત્ર આપી સરકારને 24 તારીખ સુધીની અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકારે જાહેર કરેલી સહાય ચુકાવતા માટે કોઈ આયોજન નહીં થાય તો તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...