પ્રશ્ન હજુ સુધી વણઉકલ્યો:1000ની વસ્તી ધરાવતું કુંપર (ભાટવડી) ગામ 1, વિધાનસભા 2

પાલનપુર3 દિવસ પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
  • બે ધારાસભ્યો,ગૃપ ગ્રામપંચાયત હોવા છતાં રસ્તા,વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હજુ સુધી વણઉકલ્યો
  • કુંપરનો સમાવેશ વડગામ વિધાનસભામાં જ્યારે ભાટવડીનો સમાવેશ પાલનપુર વિધાનસભામાં થાય છે

પાલનપુર તાલુકાનું માત્ર 1000ની વસ્તી ધરાવતું કુંપર(ભાટવડી) ગામે એવું છે. જે બે વિધાનસભામાં વહેચાયેલું છે. કુંપરનો સમાવેશ વડગામમાં વિધાનસભામાં જ્યારે ભાટવડીનો સમાવેશ પાલનપુર વિધાનસભામાં થાય છે. ગામ આંબલીયાળ ગૃપ ગ્રામ પંચાયતના નેજા હેઠળ આવે છે. અહિંયા વિધાનસભા અને સાંસદની ચૂંટણીમાં અલગ - અલગ ચૂંટણી મથક ઉભા કરી મતદાન થાય છે.

કુંપર(ભાટવડી) ગામે એવું જે બે વિધાનસભામાં વહેચાયેલું
પાલનપુર તાલુકાનું કુંપર(ભાટવડી) ગામ એક છે. પરંતુ મહેસુલી રીતે ગ્રામ્ય દફતરે અલગ- અલગ હોવાથી તે બે વિધાનસભા અને બે સંસદીય વિસ્તારમાં વહેચાઇ ગયું છે. જેમાં કુંપરનો સમાવેશ વડગામમાં વિધાનસભામાં જ્યારે ભાટવડીનો સમાવેશ પાલનપુર વિધાનસભામાં થાય છે.

લોકોની સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી
આખા ગામની વસ્તી માત્ર 1000 છે. જે ચૂંટણી વખતે 500ના ભાગમાં વહેચાઇ જાય છે. જેમાં કુંપરનું મતદાન 230 જ્યારે ભાટવડીનું મતદાન 210નું છે. જેઓ દર વખતે પોતાનો કિંમતી મત આપી ધારાસભ્યોને વિજેતા બનાવે છે. પરંતુ તેમની સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

ચૂંટણી પ્રચાર પછી ધારાસભ્યએ મોઢું પણ બતાવ્યું નથી
ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતુ કે, ચૂંટણી પ્રચાર વખતે ધારાસભ્યના ઉમેદવારો મોટામોટા વચન આપવા માટે ગામમાં આવે છે. જે વિજેતા થયા પછી પાંચ વર્ષ સુધી મોઢું બતાવવા પણ આવતા નથી.

ગામ વચ્ચેનો રસ્તો બે ગામને જુદા પાડે છે
કુંપર (ભા) બસસ્ટેન્ડથી દક્ષિણ દિશામાં જતો રસ્તો બંને ગામને જુદા પાડે છે. જેમાં પૂર્વ તરફ કુંપર જ્યારે પશ્વિમ તરફ ભાટવડી ગામ જુદુ પડે છે.

કુંપર- ધાણધાનો રસ્તો, પાણીના નિકાલની મુખ્ય સમસ્યા
કુંપર(ભાટવડી) ગામ બે ધારાસભ્ય ઉપરાંત આંબલીયાળ ગૃપ ગ્રામ પંચાયતના નેજા તળે આવે છે. છતાં ગામમાં વિકાસના કામમાં વેઠ વાળવામાં આવી છે. જ્યાં પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન સમયે તૂટી ગયા છે. મુખ્ય સમસ્યા કુંપર(ભા) થી ધાણધા ગામને જોડતા માર્ગની છે.વચ્ચે ઉમરદશી નદી આવતી હોવાથી પાણીના વ્હેણના કારણે આ માર્ગ તૂટી જતો હોવાથી આજુબાજુના 10થી વધુ ગામોનો સંપર્ક તૂટી જાય છે. ત્યારે નદી ઉપર પૂલ બાંધવામાં આવે અથવા ઉંચો રપટ કરવામાં આવે તેવી ગ્રામજનોની વર્ષોની માંગણી સંતોષાતી નથી. આ ઉપરાંત ગામના ગોંદરે જ ચોમાસામાં કેડ સમા વરસાદી પાણી ભરાઇ રહે છે. જેના નિકાલ માટેની પણ કોઇ કામગીરી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...