દરખાસ્ત:જૂની પેન્શન યોજના લાગુ કરવા શનિવારે પાલનપુરમાં સંયુક્ત કર્મી મોરચાની રેલી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુની પેન્શન યોજના માટે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી
  • બનાસકાંઠા જિલ્લાના તમામ 24 મંડળોના કર્મચારીઓએ જહાંનારા બાગથી કલેક્ટર કચેરી સુધી રેલીમાં જોડાઈ કલેક્ટરને આવેદન આપશે

જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. 3 સપ્ટેમ્બર શનિવારના રોજ બપોરે-1:30 કલાકે સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે આવેલ બ્રાહ્મણ વાડી, જહાંનારા બાગ પાસેથી કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓની મહારેલી યોજવા પ્રાંતે મંજૂરી આપી દીધી છે.

કર્મચારીઓની આ મહારેલી પાલનપુર ખાતે બ્રાહ્મણવાડી- જહાંનારા બાગથી પ્રસ્થાન કરી ગલબાકાકા સર્કલ, ગઠામણ ગેટથી નિકળી કલેકટરની કચેરીએ પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે. આ રેલીમાં જોડાવા બનાસકાંઠા જિલ્લાના તમામ 24 મંડળોએ સમર્થન આપ્યું છે.

જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, તલાટી મંડળ, ખેતી, ગ્રામસેવક, કે. નિરિક્ષક, આરોગ્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ, વર્ગ -4, ડ્રાઈવર , માઘ્યમિક, ઉચ્ચત્તર માઘ્યમિક, વહીવટી, આચાર્ય સંઘ, કલા સંઘ, વ્યાયામ મંડળ, વર્ગ -3, મહેસુલ, માહિતી, ટેકનીકલ, રેવન્યુ તલાટી મંડળ સહિત તમામ સંવર્ગના કર્મચારીઓ જોડાઇને જુની પેન્શન યોજના દાખલ કરવા અંગે સરકારને આવેદનપત્ર આપી માંગણી કરશે.

આ રેલી અંગે સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખએ જણાવ્યું હતું કે, જુની પેન્શન યોજના કર્મચારીઓનો અધિકાર છે અને એ અમે મેળવીને જ ઝંપીશું. જૂની પેન્શન યોજના સહિત કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં રાજ્ય કર્મચારી મોરચા દ્વારા આપવામાં આવનાર કાર્યક્રમો મુજબ અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. નિવૃત્તિ પછી ઘડપણમાં સરકારી કર્મચારીઓને બિચારા- બાપડા, લાચાર કે ઓસીયાળું જીવન ન જીવવુ પડે તેનો આધાર જુની પેન્શન યોજના છે.

અન્ય સમાચારો પણ છે...