પાલનપુર તાલુકાના મોટા ગામે 3 મેના રોજ તસ્કરોએ તરખાટ મચાવી 2 મંદિર અને 2 મકાનોના તાળા તોડી રોકડ રકમ તેમજ દાનપેટી અને ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવા જતાં ગઢ પોલીસ દ્વારા ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી લઈને ત્રણ દિવસ વિતવા છતાં કોઈ કાર્યવાહી ના કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
અર્બુદા માતાજીના મંદિરે, મફુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ અને તેમના ભાઈના ઘરે તેમજ ઠાકર મહારાજના મંદિરે 3 મેના રાત્રીના સમયે તસ્કરોએ તાળા તોડીને રોકડ, દાગીના અને દાનપેટીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મફુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે ‘3 મેના રોજ રાત્રે હું મારા પરિવાર સાથે ખેતરમાં ગયો હતો અને 4 મેના રોજ સવારે મારો ભત્રીજો દૂધ મંડળીએ દૂધ આપી ઘરે આવતા મારું અને મારા ભાઈના ઘરનું તાળું તૂટેલું જોવા મળતા તેને મને જાણ કરી હતી.
જેથી હું ઘરે આવી જોતા તાળું તૂટેલું હતું ત્યારે અમોએ ગામલોકોને જાણ કરતા બધા આવીને તપાસ કરતા મારા ઘરમાંથી તિજોરીનું ખાનું તૂટેલી હાલતમાં હતું અને અન્ય સામાન વેરવિખેર જોવા મળી રહ્યો હતો અને તિજોરીમાં પડેલ 80 હજાર રોકડા અને દાગીનાની ગુમ હતા. ઠાકર મહારાજના મંદિરમાં પણ દાન પેટી ના દેખાતા તેની પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. અને મારી બાજુમાં આવેલ મારા ભાઈના મકાનનું પણ તાળું તૂટેલી હાલતમાં હતું અને ગામમાં આવેલ અર્બુદા માતાજીના મંદિરે પણ માતાજીના આભૂષણોની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આક્ષેપો ખોટા છે : ગઢ પીએસઆઇ એલ જે વાળા
આ બાબતે પીએઆઈ એલ.જે.વાળાએ જણાવ્યું હતું કે, ‘ફરિયાદી મફુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ એક વ્યક્તિના આક્ષેપ સાથે ફરિયાદ આપવા આવ્યા હતા. ત્યારે એમને અમે કહ્યું કે નામજોગ ફરિયાદ આપો તો તેમ કરતા નથી અને મેં કોઇ તોછડાઇભર્યું વર્તન કર્યું નથી. આ આક્ષેપો ખોટા છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.