'ચા'નો સેવા કેમ્પ:અંબાજીમાં ત્રિશુળીયા ઘાટ પર ITIની 'ચા' પદયાત્રીનો તમામ થાક ઉતારી દે છે, છેલ્લા 37 વર્ષથી એક જ ટેસ્ટ

બનાસકાંઠા (પાલનપુર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. મા અંબાની આરાધના કરવા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. ત્યારે અંબાજી આવતા પદયાત્રીઓની સેવામાં સેવાભાવી સંસ્થાઓ અને લોકો સેવા કેમ્પ થકી ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે ત્રિશુળીયા ઘાટ પર ITIની ચા પદયાત્રીઓનો બધો થાક ઉતારી દે છે. છેલ્લા 37 વર્ષથી ITIના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષેાથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.

ચાનો સેવા કેમ્પ
આદ્યશક્તિ મા અંબેની આરાધાના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. આ માઇભક્તોની સેવા અને સુશ્રુષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે-સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પો યોજીને માઇભક્તોની સેવા કરે છે. અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરું લાગતુ હોય તો તે ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા 37 વર્ષથી ITIના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે.

વર્ષોથી એકજ ટેસ્ટ
આ સેવાકેમ્પની ચાનો લાભ લેનાર અમદાવાદના પદયાત્રી જયેશભાઇ મોદીએ જણાવ્યું કે, છેલ્લા 22 વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી અહીં ITIના સેવા કેમ્પની ચા પીવું છું. 22 વર્ષથી ચાનો એવોને એવો જ ટેસ્ટ છે, જરાય બદલાયો નથી. આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે.

37 વર્ષથી સેવા કેમ્પ
જય અંબે ITI સેવા કેમ્પના આયોજક જે.ડી. પટેલે જણાવ્યું કે. છેલ્લા 37 વર્ષથી અમે ITIના કર્મચારીઓ અને મિત્રો મળીને આ સેવા કેમ્પ ચલાવીએ છીએ અત્યારે 38મું વર્ષ ચાલી રહ્યું છે અને 75મી પૂનમ છે. અમે વર્ષમાં બે વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા આવીએ છીએ અને અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...