પાલનપુર તાલુકાના વાધણાની આનંદપુરા દુધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરાવતાં પુત્ર અને પુત્રવધુના ખાતામાં આવેલી દૂધના ભાવ વધારાની રકમ મંત્રીએ અન્ય શખ્સોના ખાતામાં નાંખી રૂપિયા 8.08 લાખની ઉચાપત કરી હતી. જે રકમ તેમના પિતા પરત લેવા જતાં આપી ન હતી. આથી લાગી આવતાં છ માસ અગાઉ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગે તેમના પુત્રએ મંત્રી સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. વાધણાની આનંદપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં સુરેશભાઈ કરશનભાઇ પાત્રોડ ( ચૌધરી)અને તેમના પત્ની લક્ષ્મીબેન દૂધ ભરાવતા હતા. જેમના ખાતામાં પગારના ભાવ વધારાના રૂપિયા 4,98,231.99 તથા દૂધમંડળીના ભાવ ફેરના રૂપિયા 193585.23 મળી કુલ રૂપિયા 691817.22 તથા લક્ષ્મીબેનના ખાતામાં બનાસ ડેરી ભાવ વધારાના રૂપિયા 103323.37 તેમજ મંડળીનો ભાવ ફેર રૂપિયા 40145.71મળી કુલ રૂપિયા 143469.08 જમા થશે તેઓ બનાસડેરીનો પત્ર મળ્યો હતો.
જોકે, ડેરીના મંત્રી દિલીપભાઈ ચેહરાભાઈ પાત્રોડે સુરેશભાઈ ના ખાતામાં સંઘના ભાવ વધારાના રૂ. 4982231.99 તેમજ પત્નીના ખાતામાં સંઘના ભાવ વધારાના રૂપિયા 103323.37 કોમ્પ્યુટરમાં ફાઈલ બનાવી બેંકમાં રજૂ કરી સુરેશભાઈના ખાતામાં ફક્ત રૂપિયા 231.99 જમા કરાવી રૂ.498000 ની ઉચાપત કરી હતી. જ્યારે લક્ષ્મીબેનના ખાતામાં રૂપિયા 2333.37 જમા કરાવી રૂ.102000 ની ઉચાપત કરી તેમના મળતીયા માણસોના ખાતામાં જમા કરાવ્યા હતા. તેમજ દૂધ મંડળીના ભાવ ફેરના રૂપિયા 193585.23 જમા કરાવવાના બદલે રૂ.85.23 જમા કરાવી 193500 રૂપિયાની ઉચાપત કરી તેમજ લક્ષ્મીબેનનાના ખાતામાં 40145.31 રૂપિયા જમા કરાવવાના બદલે રૂ.25145.71જમા કરાવી રૂપિયા 15 હજારની ઉચાપત કરી હતી.
કુલ રૂપિયા 808500ની ઉચાપત કરી હતી. જે બાબતની જાણ સુરેશભાઈએ તેમના પિતા કરશનભાઇ સોમાભાઈ પાત્રોડ (ચૌધરી) ને કરી હતી. જોકે, નાણાં પરત ન આપતાં કરશનભાઇએ આપઘાત કરી લીધો હતો. આ અંગે સુરેશભાઇ પાંત્રોડે પાલનપુર તાલુકા પોલીસ મથકે ડેરીનામંત્રી દિલીપભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત તેમજ દુષ્પ્રેરણનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મંત્રીએ સરખો જવાબ ન આપતાં લાગી આવતાં આપઘાત કરી લીધો
કરસનભાઈએ દૂધ મંડળીના મંત્રીના ખેતરમાં 4 સપ્ટેમ્બર તેમજ 5 સપ્ટેમ્બર 22 ના રોજ રૂબરૂ જઈ રકમ દીકરાના ખાતામાં પરત નાખવા વિનંતી કરી હતી. અને જણાવ્યું હતું કે, મારા દીકરાએ લોકો પાસેથી ઉછીના પૈસા લીધા છે જે પરત આપવાના છે જો પૈસા પરત નહીં આપો તો ઈજ્જત ખરાબ થશે. અને અમારું જીવવું હરામ થઈ જશે. છતાં મંત્રીએ સરખો જવાબ આપ્યો ન હતો અને પૈસા પરત આપવાની ના પાડતા કરસનભાઈને સમાજમાં ઈજ્જત જશે તેવું લાગી આવતા 7 સપ્ટેમ્બર 22 ના રોજ વાધણાં ગામે પોતાના ખેતરમાં ઝેરી દવા પીધી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.