બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકોના મતદારોને કંકોત્રી દ્વારા મતદાનનું નિમંત્રણ પાઠવી મતદાર જાગૃતિની નવતર પહેલ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં વર્ષ-2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન મથકો પર ઓછું મતદાન થયું હોય એ મતદાન મથકો પર જાગૃતિ માટે અધિકારીઓ દ્વારા રૂબરૂ જઇ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
અત્યારે લગ્નસરાની મોસમમાં પધારવા માટે સ્વજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવાય છે એ જ રીતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલએ લોકશાહીના આ અવસરને દીપાવવા કંકોત્રી દ્વારા મતદારોને નિમંત્રણ પાઠવ્યું છે.
આ કંકોત્રીમાં અવસરનું આગણું - મતદાન મથક, અવસરની તારીખ- 5 મી ડિસેમ્બર સવારે 8-00 થી સાંજે 5-00 વાગ્યા સુધીનો સમય દર્શાવી ચૂંટણીના પવિત્ર અવસરમાં સમયસર પધારી મતદારોને તેમના મતાધિકારના પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના યજ્ઞમાં યોગદાન થકી આ અવસરને દીપાવવા સૌને જિલ્લા ચૂંટણી તંત્ર બનાસકાંઠા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
“તમારું આગમન એજ લોકશાહીનો ધબકાર” સૂત્ર દ્વારા લગ્નની કંકોત્રીની જેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને આકર્ષવા નવીન પ્રયોગ કરાયો છે. જેના થકી જિલ્લામાં વધુને વધુ મતદાન અને સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.