સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એ કાઈપો છે ની ચિચિરાયીઓથી દરેક શહેર ગુંજી રહ્યા છે. ત્યારે રાજ્યનું એક એવું પણ ગામ છે કે જ્યા વર્ષ 1991થી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે. એટલું જ નહી જો પતંગ કોઈ ઉડાડે તો તને 11 હજારનો દંડ પણ કરવામાં આવે છે. બનાસકાંઠાના ધાનેરામાં આવેલું ફતેપુરા ગામ ગુજરાતનું એક માત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. ગામનો કે અન્ય ગામનો યુવાન અહી પતંગ ચગાવવા આવી શકતા નથી. ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા ના હોવાથી અને વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતી વખતે પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતા મોતને ભેટ્યા હતા.
કાયદાનું કડક પાલન કરવામાં આવી રહ્યુ છે
આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે વર્ષ 1991માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો. ગામના વડીલોએ નક્કી કર્યું કે, ગામનો કોઈ પણ બાળક કે યુવાન ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવશે નહી. તેમજ જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાશે તો તેણે 11 હજાર દંડ અને 5 બોરી ધર્માતું આપવું પડશે. ગ્રામજનોએ બનાવેલા આ કાયદાનું 1991થી આજદિન સુધી કડક પાલન કરવામાં આવી રહ્યુ છે. આટલા વર્ષો દરમિયાન હજુ સુધી કોઈ પણ વ્યક્તિ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતું જોવા મળ્યું નથી.
યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણ ઉજવે છે
પતંગ નહી ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી વર્ષ 1991થી આ ગામમાં ઉત્તરાયણના દિવસે કોઈ જ જાનહાની થઇ નથી. એટલું નહી પતંગ દોરી પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે. દરેક ગામ અને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉત્તરાયણ પર પતંગ ઉડાડવાની મજા માણતા હોય છે. ત્યાંરે આ ગામના યુવાનો ગાયોને ઘાસચારો, લાડુઓ બનાવવી ગાયોને નાખે છે તેમજ ક્રિકેટ રમી ઉત્તરાયણ મનાવે છે, તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું.
ફતેપુરા ગામનો આ કાયદો એક આદર્શ કાયદો સાબિત થઇ રહ્યો છે
ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં અનેક વ્યક્તિઓ અને પક્ષીઓના મોત થતા હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થાય છે. તેવામાં બનાસકાંઠાના ફતેપુરા ગામનો આ કાયદો એક આદર્શ કાયદો સાબિત થઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.