કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોનો સંઘર્ષ:બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં મધરાત્રે જીવજંતુઓ અને ઠંડીના ચમકારા વચ્ચે જગતનો તાત પિયત કરવા મજબૂર

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા

રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના અંતરિયાળ ગામમાં કડકડતી ઠંડી વચ્ચે હાથમાં પાવડો લઈ ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર બન્યા છે. દિવસના બદલે રાત્રે વીજળી આપવામાં આવતા ખેડૂતોને રાત્રે કડકડતી ઠંડીમાં પિયત કરવું પડી રહ્યું છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમ કડકડતી ઠંડી વચ્ચે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અને રાજસ્થાનની સરહદ નજીક આવેલા ગુજરાતના ગામડામાં પહોંચી હતી અને અન્નદાતાઓ ધાન ઉતપન્ન કરવા માટે કેવો સંઘર્ષ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ખેતી કરી રહ્યા છે
શિળાયાની સીઝન હાલ ચાલી રહી છે, ઠંડીનો ચમકારો એવો છે કે ઘરની બહાર નીકળતા જ શરીરના રુવાટા ઉભા કરી દે છે. આવી કાતિલ ઠંડી વચ્ચે એક બાજુ બનાસકાંઠાના નડાબેટ નજીક આવેલી ભારત-પાકિસ્તાનની સરહદ પર જવાનો દુશ્મન દેશની હીલચાલ પર પહેરો જમાવી ઉભા છે તો બીજી તરફ બનાસકાંઠાના ખેતરોમા દેશનો અન્નદાતા લોકોને અન્ન પુરું પાડવા કડકડતી ઠંડી વચ્ચે ઠંડા પાણીમાં રહી અનેક જંગલી જીવજંતુઓ અને જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ખેતી કરી રહ્યા છે.

ત્યારે દિવ્યભાસ્કરની ટીમ ગુજરાત-રાજસ્થાન સરહદની નજીક આવેલું બનાસકાંઠા જિલ્લાનું અંતરિયાળ લક્ષ્મીપુરા ગામમાં પહોંચી હતી. જ્યાં ખેડૂતો કેવો સંઘર્ષ કરી રહ્યા છે તેની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મીપુરા ગામમાં ઠંડીના ચમકારા વચ્ચે ખેડૂતો રાત્રે પોતાના ખેતર તરફ જઈ અને હાથમા પાવડો લઈ પિયત કરતા નજરે પડ્યા હતા. ગામના ખેડૂત અમરતભાઈ પોતાના એરંડાના પાકમાં ઠંડી વચ્ચે ઉઘાડા પગે ઉતરી પિયત કરવા લાગ્યા હતા.

સરકાર દિવસે વીજળી આપે તેવી ખેડૂતોની માગ
સરકાર અને વીજ વિભાગ દ્વારા અન્નદાતાઓને પોતાના ખેતરમાં રાત્રિના સમયે વીજ પુરવઠો ફાળવવામાં આવી રહ્યો છે તેને કારણે ખેડૂતોને શિયાળાની કાતિલ ઠંડી અને જંગલી પ્રાણીઓ અને જંગલી જીવજંતુઓના ભય વચ્ચે પિયત કરવું પડી રહ્યું છે. આ ખેડૂતોએ દિવ્યભાસ્કરના માધ્યમથી દિવસે વીજપુરવઠો આપવાની સરકારને વિનંતી કરી છે. ખેડૂતોએ જણાવ્યું કે, સરકાર જો અમને દિવસે વીજ પુરવઠો આપે તો અમને આવી ઠંડીમાં જંગલી જીવજંતુઓ વચ્ચે પિયત કરવામાંથી મુક્તિ મળી શકે છે, તેમજ પોષણક્ષમ ભાવ મળે તો અનેક મુશ્કેલીઓ વચ્ચે અન્ન ઉત્પન કરતા અન્નદાતાઓની મહેનત ફળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...